પાટણપાટણ શહેર

લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી

Rate this post

Science Center Patan : પાટણની નવી ઓળખ અને પર્યટન સ્થળ તરીકે દેશભરના પ્રવાસીઓને આકર્ષી રહેલું ચોરમાર પૂરા, પાટણ ખાતેનું સાયન્સ સેન્ટર દિવાળીના તહેવારો દરમિયાન પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યું હતું. પાટણની વિશ્વ વિરાસત રાણીની વાવની મુલાકાતે આવતા વિશ્વભરના પ્રવાસીઓ હવે વિજ્ઞાન યાત્રાની અનુભૂતિ મેળવવા પાટણ સાયન્સ સેન્ટર ખાતે પણ મુલાકાત લેતા હોય છે.

પ્રવાસની મજા સાથે ડાયનાસોર ગેલેરી અને વિજ્ઞાનની અદભુત યાત્રાનો અનુભવ કરતા પ્રવાસીઓને પર્યટન સાથે રોમાંચની બેવડી ખુશી મળે છે. ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન એક જ અઠવાડિયામાં ૩૪,૦૦૦ પ્રવાસીઓએ પ્રાદેશિક સાયન્સ કેન્દ્ર અને ડાયનાસોર ગેલેરીની મુલાકાત કરી વિજ્ઞાન યાત્રાની અનુભૂતિ કરી હતી. લોકાર્પણથી લઈને અત્યાર સુધી ૧૩ દેશના તથા ભારતના ૨૮ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશ ઉપરાંત ગુજરાતનાં ૩૩ જિલ્લામાંથી કુલ ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાતે આવી ગયેલા છે.

પાટણના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે સમાલપાટીની સીમમાં રાજ્ય સરકાર દ્વારા ૧૦ એકર જમીન પર અંદાજે ૧૦૦ કરોડનાં ખર્ચે પ્રાદેશિક સાયન્સ કેન્દ્ર ની સાથે ડાયનાસોર ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવાળીનું વેકેશન અને શાળા કોલેજોમાં વેકેશન હોઇ હાલમાં હજારો પ્રવાસીઓ પાટણ સાયન્સ સેન્ટર અને ડાયનાસોર ગેલેરી જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

ગુજરાત સરકાર સાયન્સ અને ટેક્નોલૉજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ અને ટેક્નોલૉજી દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણનું લોકાર્પણ ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે ૨૦૨૨ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

લોકાર્પણથી અત્યાર સુધીમાં ૨૩૦૦ થી વધારે વિવિધ સાયંટિફિક પ્રવુતિઓ સાયન્સ સેન્ટર પાટણ ખાતે કરવામાં આવી છે. જેમાં કુલ ૬ લાખથી વધુ સહભાગીઓ (વિધ્યાર્થીઓ, શિક્ષકો, વિજ્ઞાન ઉત્સાહીઓ, ખેડૂતો, દિવ્યાંગો, સખી મંડળની મહિલાઓ, ડોક્ટરો, વૈજ્ઞાનિકો) ભાગ લઈ ચૂક્યા છે. આ વૈજ્ઞાનિક પ્રવુતિઓમાં માનવ શરીર રચના, પ્રકાશિય ઉપકરણો, રોબોટિક્સ, ઉર્જા સંરક્ષણ, આબોહવા પરીવર્તન, હાઈડ્રોપોનિક્સ (જળ કૃષિ), ઇલેક્ટ્રોનિક્સ વગેરે જેવા વર્કશોપ, સ્ટેમ (સાયન્સ, ટેક્નોલૉજી, એન્જીનિયરીંગ અને મેથેમેટીક્સ) આધારિત સાયંટિફિક-શો, ભારત દેશના વૈજ્ઞાનિક અને તેમના જીવન પર ડોક્યુમેન્ટરી-શો વગરેનો સમાવેશ થાય છે.

સાયન્સ સેન્ટર પાટણ સતત નવા રેકોર્ડસ સર્જી રહ્યું છે. કારણકે ૨૦૨૪ ની દિવાળીના તહેવારો દરમિયાન એક જ અઠવાડિયામાં ૩૪,૦૦૦ જેટલા મુલાકાતીઓને આકર્ષ્યા છે. જેઓ સાયન્સની ભવ્ય દુનિયામાં ડૂબકી લગાવી ચૂક્યા છે. દિવાળી તહેવારો દરમિયાન બાલ વૈજ્ઞાનિકો અને મુલાકાતીઓ માટે ઘણી બધી વૈજ્ઞાનિક પ્રવુતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવાળીનું વિજ્ઞાન, માનવ શરીર રચના, પ્રકાશિય ઉપકરણો અને વિવિધ સ્ટેમ આધારિત વર્કશોપ સાથે રાષ્ટ્રીય એકતા દિવસ, વિશ્વ સુનામી જાગૃતિ દિવસ, ડો.સી.વી.રામનની જન્મ જયંતિ, વગેરે વિશે જાગૃતિ કાર્યકમોનો સમાવેશ થાય છે. તથા દરરોજ સાયન્સ સેંટરની રસાયણ શાસ્ત્રની નોબલ પ્રાઈજ ગેલેરીમાં વિવિધ નોબલ પરિતોષિક વિજેતા વૈજ્ઞાનિકો વિશે ડોક્યુમેન્ટરી-શો નું પણ આયોજન કરવામાં આવે છે.

સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ ગર્વ સાથે જણાવ્યુ કે સાયન્સ સેન્ટર પાટણ એ ગમ્મત સાથે જ્ઞાનનું કેન્દ્ર બની ગયું છે. વિદ્યાર્થીઓથી માંડીને સામાન્ય જનતા સુધી, દરેક વ્યક્તિના મનમાં વિજ્ઞાન માટેનો ઉત્સાહ અને રસ વધારવામાં સફળ રહ્યું છે. દિવાળી તહેવારો દરમ્યાન રેકોર્ડ તોડનાર આટલા મોટા પ્રમાણમાં મુલાકાતીઓનું આવકારવું એ એક સાબિતી છે કે લોકો વિજ્ઞાનમાં જાગૃતિ અને રસ દાખવી રહ્યા છે. વિજ્ઞાન પ્રેમીઓ માટે આ સેન્ટર જ્ઞાનની અનોખી દુનિયા બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *