‘RRR’ ફિલ્મનો ઓસ્કરમાં ડંકો | RRR Movie On Oscar Awards
એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’નો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. માત્ર ‘RRR’ જ નહીં પરંતુ ‘નાટુ નાટુ’ ગીત પણ દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગયું છે. આ ગીતને યુટ્યુબ પર 122 મિલિયનથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ વખતના ઓસ્કર અવોર્ડ્સમાં પણ બેસ્ટ ઓરિજિનલ સોંગની કેટેગરીમાં આ ગીત નોમિનેટ થઈ ચૂક્યું છે. હવે આખું અમેરિકા ‘નાટુ નાટુ’ પર થિરકે તો નવાઈ નહીં. કેમ કે, આ ગીતના સિંગર રાહુલ સિપલીગંજ અને કાલ ભૈરવ લોસ એન્જલસમાં યોજાનાર ઓસ્કર 2023માં આ ગીતનું લાઈવ પર્ફોર્મન્સ આપશે.
આ ગીતની ટક્કર ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’ કેટેગરીમાં રિહાન્ના, લેડી ગાગા, મિત્સ્કી, ડેવિડ બાયર્ન અને ડિયાન વોરેન સાથે થશે. રિહાન્ના ડોલ્બી થિયેટરમાં તેનું ગીત ‘લિફ્ટ મી અપ’ પણ પરફોર્મ કરશે
‘નાટુ નાટુ’નું સંગીત એમ. એમ. કીરવાણીએ આપ્યું છે. આ પહેલાં પણ કીરવાણીએ ઘણી હિન્દી અને સાઉથ ફિલ્મોમાં અદભુત સંગીત આપ્યું હતું. આ ગીતના ગાયક કાલ ભૈરવ એમ. એમ. કીરવાનીના પુત્ર છે. ‘નાટુ નાટુ’ એ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો અવોર્ડ જીત્યો અને ઓસ્કારમાં ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’ કેટેગરી માટે નોમિનેટ થયું છે.
550 ફિલ્મના બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1200 કરોડથી વધારે કલેક્શન કર્યું છે. આ ફિલ્મ 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થઇ હતી. ફક્ત 16 જ દિવસમાં આ ફિલ્મ 100 કરોડનું કલેક્શન કરી લીધું હતું. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરે લીડ રોલ નિભાવ્યો છે. જ્યારે આલિયા ભટ્ટ અને અજય દેવગન સપોર્ટિંગ રોલમાં છે. આ ફિલ્મની કહાની બે મહાન ક્રાંતિકારીઓ કોમારામ ભીમ અને અલ્લુરીર સીતારામ રાજુ પર આધારિત છે.
RRRનું ‘નાટુ નાટુ’ સોંગ ઓસ્કરમાં નોમિનેટ થયું ત્યારથી જ ભારતીય ફિલ્મજગતમાં ઉત્સાહનો માહોલ છે. નાટુ નાટુ સોંગને 95મા એકેડમી અવોર્ડ્સમાં નોમિનેશન મળ્યું છે. બેસ્ટ સોંગની કેટેગરીમાં નોમિનેશન મેળવનારી આ પ્રથમ ભારતીય ફિલ્મ બની છે.