પાટણ જિલ્લાના ખેડૂતોને પી.એમ.કિસાન(PM-KISAN) યોજના હેઠળ લાભ ચાલુ રાખવા ફરજીયાત કરવું પડશે આ કામ, નહીં કરો તો 13 મો હપ્તો અટકી જશે
પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત ખેતીની જમીન ધરાવતા ખેડૂત પરિવારને વાર્ષિક રૂ.6,000/- સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. હવે આ સહાય ચાલુ રાખવા માગતા તમામ ખેડૂતોએ આધાર ઈ-કે.વાય.સી કરાવી લેવું જરૂરી બની ગયુ છે તેથી પાટણ જિલ્લાના તમામ ખેડૂતો કે જેઓ હાલમાં પીએમ કિસાન યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે તે તમામ ખેડૂતોએ સત્વરે ઈ-કેવાયસી અને આધાર સીડેડની પ્રક્રિયા કરાવી લેવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી પાટણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
પાટણ જિલ્લામાં કુલ 48,379 જેટલા ખેડૂતોનું ઓનલાઈન ઈ-કેવાયસી કરવાનું બાકી હોવાથી જો ઓનલાઈન ઈ-કેવાયસી નહી થાય તો ખેડૂતોનો 13 મો હપ્તો અટકી જશે. તેથી જો આપ એ ખેડૂત છો જેમનું ઈ-કેવાયસી બાકી છે તો તરત જ ગ્રામ પંચાયતમાં જઈને વી.સી.ઈ તેમજ સી.એસ.સી ખાતે જઈને ઓનલાઈન ઈ-કે.વાય.સી કરાવી લેવું. પાટણમાં પી.એમ.કિસાન યોજના હેઠળ 2,18,100 ખેડૂતો છે, જેમાંથી 1,69,721 ખેડૂતોનું ઈ-કે.વાય.સી પૂર્ણ થઈ ગયેલ છે. કેટલાક ખેડૂતોના બેંક સાથે આધાર સીડીંગ કરાવવાનું બાકી હોવાથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હવે પછીના હપ્તા માટે ખેડૂતોએ ફરજીયાત ઓનલાઈન ઈ-કે.વાય.સી. કરાવવાનું રહેશે.
ખેડૂતો પી.એમ.કિસાન પોર્ટલ પર http://pmkisan.gov.in પર જાતે ફાર્મર કોર્નર મેનુંમાં જઈ ઈ-કે.વાય.સી. કરી શકે છે. લાભાર્થી ખેડૂતોના ઈ-કે.વાય.સી. તથા આધાર સીડીંગ કરાવેલ બેંક ખાતામાં જ સરકાર દ્વારા આગામી 13 મો હપ્તો જમા કરવામાં આવશે. જે બાબત ખેડૂતોએ ધ્યાનમાં લેવી.