ખેડૂત માટેપાટણ

પ્રાકૃતિક ખેતી : એક એકર વિસ્તાર ૧૨,૦૦૦ કિલોગ્રામ લીંબુના ઉત્પાદન સાથે વાર્ષિક રૂ. ૪,૪૨,૦૦૦ નો નફો મેળવ્યો

Rate this post

ગુજરાતમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. પરિણામે ધીરે-ધીરે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. પાટણ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને ઘણા બધા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે.

આવા જ એક ખેડૂત રાધનપુર તાલુકાના કમાલપુર ગામના જેસુગભાઈ રામાભાઈ ચૌધરી કે જેમણે લીંબુના પાકમાં ત્રણ વર્ષ સતત પ્રાકૃતિક ખેતી કરી સફળતા હાંસલ કરી છે. આજે તેઓ લીંબુના પાકમાં વર્ષે સાડા ચાર લાખ રૂપિયા જેટલો નફો મેળવતા થયા છે. તેમની પ્રાકૃતિક ખેતીની પહેલ અને સફળતા જોઈ રાધનપુર પંથકમાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા તૈયાર થયા છે.

રાધનપુર તાલુકાના કમાલપુર ગામના જેસુગભાઈ રામાભાઈ ચૌધરી પહેલા ચીલા ચાલુ ખેત પદ્ધતિ અપનાવી દિવેલા, ઘઉં,ચણા ની ખેતી કરતા હતા. ત્યારબાદ તેઓ આત્મા કચેરી, પાટણના સંપર્કમાં આવ્યા અને કૃષિ મેળામાંથી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી પ્રાયોગિક ધોરણે પ્રાકૃતિક ખેતી કરવા તૈયાર થયા હતા. જેને પગલે આજે પ્રાકૃતિક ખેતીમાં એક પ્રગતિશીલ ખેડૂત તરીકે નામના મેળવી આત્મનિર્ભરતા સાથે વર્ષે ૪,૪૨,૦૦૦ જેટલો નફો મેળવી આર્થિક રીતે સદ્ધર બન્યા છે.

જેસુગભાઈ રામાભાઈ ચૌધરીએ નેચરલ ફાર્મિંગની સાત દિવસની તાલીમ તેમજ આત્મા યોજનાની જીલ્લા અંદરની તાલીમ અને કિસાન ગોષ્ઠિમાં હાજરી આપી પ્રાકૃતિક ખેતી વિષે સમજ કેળવી. વર્ષ ૨૦૨૦માં દેશી ગાય નિભાવ ખર્ચની યોજનાનો લાભ લીધો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી. ત્યારબાદ તેમણે બાગાયત પાકમાં ખારેક અને લીંબુના પાકમાં પ્રાકૃતિક ખેતીની અપનાવી અને પહેલા વર્ષથી જ સફળતા મેળવી.

વર્ષ ૨૦૨૦-૨૧ માં તેમણે એક એકર વિસ્તારમાં લીંબુ નું વાવેતર કર્યું અને ૮૦૦૦ હજાર કિલો ગ્રામ ઉત્પાદન મેળવ્યું. જેમાં તેઓને ૨,૪૦,૦૦૦ ની કુલ આવક સામે વાર્ષિક ૨ લાખ રૂપિયાનો ચોખ્ખો નફો મળ્યો. બીજા વર્ષે ૨૦૨૧-૨૨ માં તેમણે ૯૦૦૦ કિલોગ્રામ ઉત્પાદન સાથે ૩,૧૫,૦૦૦ કુલ આવક અને વાર્ષિક ૨,૭૩,૦૦૦ નો નફો મેળવ્યો. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩ માં એક એકર વિસ્તારમાં ૧૨,૦૦૦ કિલોગ્રામનું ઉત્પાદન અને ૪,૮૦,૦૦૦ ની કુલ આવક સામે વાર્ષિક ૪,૪૨,૦૦૦ નો નફો મેળવ્યો છે.જેસુગભાઈ રામાભાઈ ચૌધરી જણાવે છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી મારી જમીનની ફળદ્રુપતા વધી છે, અળસિયાં નો જથ્થો વધ્યો છે અને લીંબુ પાકમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનો ઉપયોગ કરી ઓછો ખર્ચે વધુ નફો મેળવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *