ગુજરાતપાટણ

પોલીસે શરુ કરી કડક કાર્યવાહી – ડ્રાઈવીંગ સમયે નિયમો ભંગ કરતા 76 નાગરીકોના લાયસન્સ સસ્પેન્ડ

Rate this post

શું આપ ઓવર સ્પીડ પર ગાડી ચલાવો છો? શું આપ વાહન ચલાવતા સમયે હેલ્મેટ નથી પહેરતા? શું આપ ટ્રાફીકના નિયમોનો ભંગ કરો છો? તો સાવધાન થઈ જજો! કારણકે,પાટણ જિલ્લામાં રોડ સેફ્ટી અંતર્ગત નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરીને તેઓના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દર મહિને પાટણ જિલ્લા જેવા સદન ખાતે માર્ગ સલામતી સમિતિની બેઠક મળે છે જેમાં રોડ સેફ્ટી અંતર્ગત માસ દરમિયાન શુ કાર્યવાહી કરવામાં આવી તેની ચર્ચા કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવે છે. બેઠકમાં વાહન ચલાવતા સમયે નિયમોનો ભંગ કરનાર નાગરીકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં તેઓ નિયમોનો ભંગ ન કરે અને અન્ય નાગરીકો પણ નિયમોનો ચુસ્તપણે અમલ કરે તે વિશે ધ્યાન રાખવા માટે કલેક્ટરશ્રી દ્વારા અધિકારીશ્રીઓને સુચન કરવામાં આવે છે.

પાટણ જિલ્લામાં માર્ગ સલામતી સમિતિ અને સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી અંતર્ગત અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમા ખાસ કરીને એન્ફોર્સમેન્ટ ઓફ લો અંતર્ગત નિયમોનુસાર વાહન ના ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષ-2022ની વાત કરીએ તો ફેટલ અકસ્માત, ડ્રીંક એન્ડ ડ્રાઈવ વગેરે જેવા ગુન્હામાં કુલ 76 ડ્રાઈવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તા.01.01.2022 થી તા.31.12.2022 સુધી સસ્પેન્ડ થયેલા ડ્રાઈવીંગ લાયસન્સની વાત કરીએ તો, જાન્યુઆરી માસમાં 1, ફેબ્રુઆરીમાં 13, માર્ચમાં 06, એપ્રિલમાં 10, મે 0, જૂનમાં 07, જુલાઈમાં 12, ઓગષ્ટમાં 12, સપ્ટેમ્બરમાં 0, ઓક્ટોબરમાં 0, નવેમ્બરમાં 22 અને ડિસેમ્બરમાં 05 લાયસન્સ આમ વર્ષ-2022 દરમિયાન કુલ 76 લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવા લાયસન્સ ધારકોને સાંભળ્યા બાદ સહાયક પ્રાદેશિક અધિકારી દ્વારા યોગ્ય કિસ્સામાં જે-તે ગુન્હા અન્વયે ડ્રાઈવીંગ લાયસન્સ ચોક્કસ સમયગાળા માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

આર.ટી.ઓ અધિકારીશ્રી જે.જે.ચૌધરી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે, વર્ષ-2022માં ફેટલ અકસ્માત, ઓવરસ્પિડીંગ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ વગેરે જેવા ગુન્હામાં વાહન ચાલકોના ડ્રાઈવીંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવા વાહન ચાલકોને પોતાના સ્વબચાવ માટે આધાર પુરાવાઓ રજુ કરવાની તક પણ આપવામાં આવે છે. વાહનચાલકોએ કેટલીક બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખીને નિયમોનો ભંગ કર્યા વગર વાહન ચલાવવું જોઈએ જેથી તેઓ આ પ્રકારની કાર્યવાહીથી બચી શકે છે. જો વાહન ચાલકો દ્વારા નિયમોનો ભંગ કરવામાં આવશે તો લાયસન્સ સસ્પેન્ડ થી લઈ લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *