કોલકાતા દુષ્કર્મ-હત્યા કેસ ના પડઘા ગુજરાતમાં પડ્યા, હડતાળ પર ઉતર્યા તબીબો
Kolkata Rape-Murder Case : કોલકાતામાં રેસિડન્ટ ડૉક્ટર પર થયેલા પીશાચી બળાત્કારની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. હવે ગુજરાતનો ડૉક્ટરો પણ આ દેશવ્યાપી હડતાળમાં જોડાયા છે. મહત્વનું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉક્ટરોએ ગઈકાલે પર વિશાળ રેલી યોજી હતી. હોસ્ટેલ કેન્ટીનથી કોલેજ સુધી રેલી કાઢી ડૉક્ટરોએ સુત્રોચ્ચાર સાથે ન્યાયની માંગ કરી હતી. જોકે, બીજી તરફ ડોક્ટરોની હડતાળ વચ્ચે સુરત સિવિલમાં દર્દીઓની લાઈન લાગી છે. તો વડોદરામાં વિરોધ પ્રદર્શન કરવા તબીબો એકઠા થયા છે.
કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ પછી હત્યાનો કેસ વધુ ગંભીર બન્યો છે. આ ઘટનાને લઈને દેશભરમાં તબીબી આલમમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. મૃતક ડૉક્ટરને ન્યાય મળે તે માટે રાજ્યની સરકારી હોસ્પિટલના ડૉક્ટર્સ અને રેસિડેન્ટ ડૉક્ટરોએ હડતાળ શરૂ કરી છે. જેને લઈને આજે (16મી ઓગસ્ટ) OPD તથા અન્ય સર્વિસ બંધ રહેશે. જ્યારે ઈમરજન્સી સેવાઓ ચાલું રહેશે.
કોલકાતામાં ટ્રેઈની મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ બાદ થયેલી હત્યાના વિરોધમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસની બી જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓએ પણ વિરોધ નોંધાવ્યો છે. આ ઘટનાના વિરોધમાં અને પીડિતાને ન્યાય મળે તેને લઈને ડોક્ટર્સ આજે કામકાજથી દૂર રહેશે. ડૉક્ટર આજે ઓપીડી સેવા બંધ રાખશે. સાથે જ ઈમરજન્સી સેવાને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.