બે વર્ષની બાળકી ખોવાઈ : 14 રાજ્યોમાં 81 દિવસના તપાસના ધમધમાટ બાદ પોલીસે બાળકી ગોતી
મહારાષ્ટ્રથી લઈને ઉત્તરાખંડ સુધીના 14 રાજ્યોમાં 22 પોલીસ કર્મચારીઓના સતત 81 દિવસ સુધી તપાસના ધમધમાટ બાદ, આખરે બે વર્ષની બાળકીનું તેના માતા-પિતા સાથે મિલન થયું હતું. ફૂટપાથ પર માતા-પિતા સાથે રહેતી આ બાળકીનું અપહરણ એક ભીખારી દ્વારા કરવામાં આવ્યું હતું અને તે તેની દીકરી હોવાનો દાવો કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, હ્યુમન ઈન્ટેલિજન્સ નેટવર્કમાં સામેલ બાંદ્રાના બે કોન્સ્ટેબલ ઈમ્તિયાઝ મકંદર અને પ્રમોદ સોનવણેના થોડા મહિનાઓ પહેલા પશ્ચિમ બંગાળમાં તેમના રોકાણના કારણે તપાસ કરી રહેલી ટીમને બિહારથી આસિફ અલી શેખને (24) ટ્રેક કરી પકડી પાડવામાં મદદ મળી હતી. ત્યારબાદ ગત અઠવાડિયે પશ્ચિમ બંગાળના સિલિગુડીથી તેના ઘરેથી બાળકીનું રેસ્ક્યું કરાયું હતું
આસિફે ભીખ મગાવવાના હેતુથી બાળકીનું અપહરણ કર્યું હશે તેવું બાંદ્રા પોલીસને શરૂઆતમાં લાગ્યુ હતું. પરંતુ જ્યારે ટીમ સિલિગુડી પહોંચી તો જાણવા મળ્યું કે, તે આયતનું ધ્યાન રાખી રહ્યો હતો અને તેના લગ્નથી આ દીકરીનો જન્મ થયો હોવાનું માતા તેમજ બહેનને જણાવ્યું હતું. પોલીસની ટીમે બાળકનો કબજો લેતા આસિફની માતા અને બહેન બેભાન થઈ ગયા હતા. મંગળવારે, ટીમ પોલીસ કમિશનર વિવેક ફણસાલકરને મળી હતી, જેમણે બાળકીનું મિલન માતા-પિતા સાથે કરાવવા કરેલી મહેનતને બિરદાવી હતી.
‘આ ત્રણ મહિનામાં આસિફે બાળક પાસે ભીખ મગાવી નહોતી. શેખને પોલીસ સ્ટેશનમાં જોઈને તે તેના તરફ દોડી હતી. ભીખ માગવા માટે બાળકીને તેના જ માતા-પિતા દ્વારા આરોપીને સોંપવામાં આવી હતી. આસિફ બાળકને તેના માટે નસીબદાર માનવા લાગ્યો હતો, કારણ કે તે દિવસના 2 હજાર રૂપિયા કમાતો હતો અને તેમાંથી 300 તેના માતા-પિતાને આપતો હતો. જો વધુ પૈસાની માગણી કરી તો બાળકીનું અપહરણ કરશે તેવી ચેતવણી તેના માતા-પિતાને આપી હોવાનું આસિફે કબૂલ્યું હતું’, તેમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
ડીસીપી (ઝોન IX) અનિલ પારસકરે અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ટીમના પ્રયાસોથી જ બાળકનો તાગ મેળવવામાં મદદ મળી હતી. ‘આરોપીની બિહારથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો’. તો એસીપી (બાંદ્રા ડિવિઝન) ગુણાજી સાવંતે કહ્યું હતું કે, આસિફ 19 ઓક્ટોબર, 2022ના રોજ બાળકને લઈ ગયો હતો અને ત્યારબાદ પરત ફર્યો નહોતો. બાંદ્રાના સીનિયર પોલીસ ઈન્સપેક્ટરે રાજેશ દેવારે જણાવ્યું હતું કે, 11 પોલીસકર્મીઓએ તેના માતા-પિતા સાથે 14 રાજ્યોની મુલાકાત લીધી હતી.