પાટણનાં ડેર પાસે કારે ટક્કર મારતાં બાઇક પર સવાર માતા-પુત્રનાં મોત,પતિ ઘાયલ
પાટણ તાલુકાનાં ડેર ગામનાં પાટીયા નજીક વળાંકમાં તા. ૧૩મીની સાંજે એક ફોર વ્હીલર ગાડીએ એક બાઇકને ટક્કર મારતાં બાઇક ઉપર સવાર એક જ પરિવારનાં ત્રણ જણા પૈકી બાઇક ચાલકની પત્નિ અને તેનાં પાંચ વર્ષનાં પુત્રને ગંભીર ઇજા થતાં તેમનાં સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત બાઇક ચાલકે બાલીસણા પોલીસ મથકે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.
આ ફરિયાદમાં કરાયેલા આક્ષેપ મુજબની વિગતો એવી છે કે, પાટણનાં ડેર ગામે રહેતા સેંધાજી વિજાજી ઠાકોર (ઉ.વ.૨૫) તા. ૧૩- ૯-૨૦૨૪નં રોજ સાંજે તેમની પત્નિ સંગીતાબેન અને દિકરો સચીન (ઉ.વ.૫) માસ બિમાર હોવાથી બાઇક ઉપર બેસાડીને પાટણનાં કમલીવાડા ગામે દવાખાને લઇ ગયા હતા ને તેમની સારવાર કરાવીને પત્નિ અને દિકરાને લઇને બાઇક ઉપર બેસાડીને તેમનાં ગામ ડેર ખાતે આવતા હતા ત્યારે ડેર ગામનાં પાટીયા પાસે આવતાં તેમણે પોતાનું બાઇક ધીમે ધીમે વાળીને રોડ ઉપરથી ડેર ગામ તરફ વળતા હતા. ત્યારે સિધ્ધપુર તરફથી એક ફોરવ્હિલ ગાડીએ તેમાં બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલક સેંધાજી બાઇક સાથે નીચે પડી ગયા હતા અને તેમની પાછળ બેઠેલી તેમની પત્નિ અને દિકરો પણ ફંગોળાઇને રોડ ઉપર પટકાયા હતા. આ બનાવમાં સેંધાજીને ડાબા હાથે કોણીનાં ભાગે ઇજાઓ થઇ હતી અને પગે છોલાયું. હતું. જ્યારે તેમની પત્નિ સંગીતાબેનને માથામાં અને ડાબી આંખનાં ભાગે ગંભીર ઇજા થઇ હતી.
જ્યારે માસુમ પાંચ માસનાં બાળક સચીનજીની ગરદનનાં ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ અકસ્માતમાં પત્નિ અને દિકરાનાં મોત નિપજ્યાં હતાં. તમામને ૧૦૮માં સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં લવાયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત સેંધાજીની સારવાર કરાઇ હતી અને ફરજ પરનાં ડોક્ટરે સેંધાજીની પત્નિ સંગીતાબેન અને બાળક સચીનજીને મૃત જાહેર કરતાં પરિવારમાં શોક પ્રસરી ગયો હતો.
સેંધાજીએ ટક્કર મારનારની અને બેનો ભોગ લેનારી ફોરવ્હીલ ગાડીનો નંબર પણ લીધો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો.