પાટણ શહેરમાં 5 વિસ્તારોમાં દબાણ હટાવવા નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી
પાટણ નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ દબાણ હટાવવા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં એક સ્થળે ઘણા સમયથી ખડકી રાખવામાં આવેલ કાટમાળ હટાવાયો હતો જ્યારે ચાર સ્થળોએ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવા તૈયાર થતાં તેમને મુદત આપવામાં આવી હતી.
નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર જયેશ પંડ્યા તેમજ વોર્ડ ઇન્સ્પેક્ટર મુકેશ રાવલ, ભરત પટેલ, મુનાફ શેખ સહિત ટીમ દ્વારા શહેરના ઘીમટા વિસ્તારમાં દીવાવળની ખડકી પાસે એક મકાન માલિક દ્વારા લાંબા સમયથી કાટમાળ ખડકી રાખવામાં આવ્યો હતો જે જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. ચાણસ્મા હાઇવે પર શુભમ બંગ્લોઝની પાછળ રવેટા હોટલ રોડ ઉપર એક ઝુંપડું બનાવવામાં આવેલું છે તેના ત્યાં 28 જાન્યુઆરીના રોજ લગ્નનો પ્રસંગ હોવાથી તેમને પાંચ ફેબ્રુઆરી સુધી મહેતલ આપી હતી.
મોટો ટાંક વાડો વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા ઓરડી બનાવી હતી, તેને એક મહિનાની મહેતલ આપી હતી. શહેરના સૂર્ય નગર વિસ્તારમાં બજાણીયા પરિવારોના 10 ઘર દબાણમાં હોવાથી તેમણે અઠવાડિયાની મુદત માગી હતી અને જાતે દબાણ હટાવવાની ખાતરી આપતા તેમને અઠવાડિયાની મુદ્દત આપવામાં આવી હતી.
શહેરના ચાણસ્મા હાઇવે પર સુદામા ચોકડી નજીક આવેલ શ્રીનગર બંગલોઝ ના રહેવાસીઓની રજૂઆત હતી કે બાજુના કોમ્પ્લેક્સના શૌચાલય બાથરૂમની બારી સોસાયટી તરફ પડે છે જે બંધ કરાવવા માંગણી હતી જેમાં નગરપાલિકાની ટીમ દ્વારા બારી બંધ રાખવા સૂચન કર્યું હતું પરંતુ કોમ્પ્લેક્સ માલિકે પોતાની માલિકીમાં હોવાની રજા ચિઠ્ઠી રજૂ કરી હતી તેમ છતાં લોકોની લાગણી ધ્યાને રાખીને બારી બંધ રાખવા સૂચન કરવામાં આવ્યું છે તેમ નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.