બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનાં સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા સમર્થકો
Bageshwar Dham Dhirendra Shastri મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકારનાં પ્રમુખ તરીકે જાણીતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં સોમવારે મોટી સંખ્યામાં લોકો રાજસ્થાનનાં કોટાની શેરીઓમાં ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થકોએ પહેલા રેલી કાઢી અને પછી કમિશનરની ઓફિસની બહારના ગેટ પર સામૂહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.
હિન્દુ ધર્મના પદાધિકારીઓ અને તેમની સાથે સંકળાયેલા અનેક સંગઠનોના નેતૃત્વમાં હજારો લોકોએ સામૂહિક રીતે હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. કમિશનર કચેરીમાં સંતોની હાજરીમાં રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર રહી હતી.
ઘણા સંતો અને હિંદુ સંગઠન સાથે સંકળાયેલા અધિકારીઓએ પ્રદર્શન દરમિયાન ચેતવણી આપી હતી કે સનાતન સંસ્કૃતિ અને હિંદુ સમાજ વિશે અનિયંત્રિત ટિપ્પણી કોઈપણ સ્વરૂપમાં સહન કરવામાં આવશે નહીં.
સામૂહિક હનુમાન ચાલીસા દરમિયાન ભાજપના પૂર્વ ધારાસભ્ય પ્રહલાદ ગુંજાલ, ભાજપ દેહત જિલ્લા પ્રમુખ મુકુટ નગર, પૂર્વ શહેર જિલ્લા પ્રમુખ હેમંત વિજયવર્ગીય અને ભાજપના અનેક નેતાઓ અને પદાધિકારીઓ અને હિન્દુ સમાજના સંગઠનો સાથે જોડાયેલા લોકો પણ હાજર રહ્યા હતા.
સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન લાંબા સમય સુધી ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો. જેના કારણે વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, સ્થળ પર હાજર પોલીસકર્મીઓએ ટ્રાફિક વ્યવસ્થાને મહદઅંશે સંભાળી લીધી હતી.
સામૂહિક હનુમાન ચાલીસાના પાઠની માહિતી મળ્યા બાદ પોલીસ પ્રશાસન પહેલાથી જ એલર્ટ થઈ ગયું હતું. તેથી, આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક સ્તરના ઘણા અધિકારીઓ પણ તૈનાત કરવામાં આવ્યા હતા.