ગુજરાતપાટણપાટણ શહેર

બળવંતસિંહ રાજપૂતે પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની કરી મુલાકાત

Rate this post

આજરોજ માન.મંત્રીશ્રી ઉદ્યોગ, લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના પ્રવાસે હતા. સૌ પ્રથમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત કેશ ક્રેડીટ કેમ્પમાં હાજરી આપ્યા બાદ તેઓ જી.એમ.ઈ.આર.એસ. ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યા તેઓએ કોરોનાની સંભવિત પરિસ્થિતીને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્રની શુ તૈયારીઓ છે તેની સમીક્ષા કરી હતી.

હાલમાં અનેક દેશોમાં કોવિડ-૧૯ ના કેસોમાં અચાનક આવેલા વધારા બાદ ભારત સરકારે સાવચેતીના ભાગરૂપે કડક કોવિડ માર્ગદર્શિકાને અનુસરવા માટે દરેક રાજ્યોને સલાહ આપી છે. સરકારશ્રીએ ઓક્સિજન સપ્લાય, તેમજ તેની ઉપલબ્ધતાની ચકાસણી કરવા માટે પણ જણાવ્યું છે. સરકારશ્રીની સુચના બાદ રાજ્યના દરેક જિલ્લામાં હાલમાં કોવિડ-19 સામે તકેદારીના ભાગરૂપે પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. આજરોજ પાટણની ધારપુર હોસ્પિટલની મુલાકાત દરમિયાન મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જિલ્લાવાસીઓને કોવિડ-19ની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલના સ્ટાફની સાથે વાતચીત કરીને હાલમાં કોરોનાની સંભવિત પરિસ્થિતી સામે લડવા માટે હોસ્પિટલમાં શુ વ્યવસ્થા કરવામાં આવી છે, બેડ થી લઈને ઓક્સિજન માટેની શું વ્યવસ્થા છે અને ભવિષ્યમાં કયા પ્રકારની તૈયારીઓ કરવા માટે હોસ્પિટલ તંત્ર સજ્જ છે તેની સંપૂર્ણ માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ ભવિષ્યમાં હોસ્પિટલને જરૂર પ્રમાણે વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી.

ધારપુર મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત સમયે માન. મંત્રીશ્રીની સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, ધારપુર હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. પારૂલ શર્મા તેમજ પાટણ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરથભાઈ ઠાકોર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી નંદાજીભાઈ ઠાકોર, પૂર્વ મહામંત્રીશ્રી ગુજરાત પ્રદેશ ભાજપ કે.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *