પાટણપાટણ શહેર

પાટણ શહેરમાં 1લી જાન્યુઆરીથી કરવેરા ડબલ થશે, જાણો કયા વેરામાં કેટલો વધારો નક્કી કરાયો..

Rate this post

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં ગુરુવારે કરવેરા બમણા(ડબલ) કરવાનો નિર્ણય સત્તાધારી ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. જોકે, કોંગ્રેસ પક્ષ દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નવા પ્રમુખ હિરલબેન પરમારની પ્રથમ સામાન્ય સભામાં 67 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી હતી. જોકે રૂપિયા અઢી કરોડની ગ્રાન્ટ મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા પાછી માગી લેવામાં આવતા કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ ભાજપના સભ્યો ઉપર ફુલ પાંદડીઓ ઉછાળીને વ્યક્ત કરાયો હતો.

નગરપાલિકાના ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કસ સ્વચ્છતા અને સ્ટ્રીટ લાઈટ સેવાઓ ખોટમાં ચાલી રહ્યું હોવાથી ગત સત્તાધારી બોર્ડ દ્વારા શાખાઓની વેરા બમણા કરવાની દરખાસ્તને સ્વીકારવામાં આવી હતી અને સામાન્ય સભામાં ઠરાવ કરાયા બાદ વાંધા અરજીઓની સુનાવણી બાદ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં કર માળખું બદલવા માટે દરખાસ્ત કરી હતી. જેને પ્રાદેશિક કમિશનર કચેરી નગરપાલિકાઓ ગાંધીનગર ખાતેથી સુધારા નિયમો મંજૂર કરવામાં આવતા સામાન્ય સભામાં ચારેય સેવાઓ માટે મિલકત ધારકો પાસેથી લેવામાં આવતા કરવેરા બમણો કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેને 1 જાન્યુઆરીથી અમલી કરવા નક્કી કરવામાં આવ્યું હતું. જોકે, વિપક્ષે વાંધો દર્શાવ્યો હતો.

શહેરમાં આંતરિક રસ્તાઓના કામો મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડની ગ્રાન્ટમાંથી સમય મર્યાદામાં થયા ન હોવાથી બોર્ડ દ્વારા રૂપિયા અઢી કરોડની ગ્રાન્ટ પાછી માગી લેવામાં આવતાં ભાજપના સભ્યો દ્વારા બાંધકામ ઇજનેર પાસેથી ખૂલાસા પૂછ્યા હતા. જેમાં એન્જિનિયર મોનિલ પટેલે ટેકનિકલ કારણો આગળ કર્યા હતા. જોકે, આ રકમ હવે હાથમાંથી જતી રહી હોવાથી વિપક્ષના ભરતભાઈ ભાટિયા દ્વારા વહીવટને અણઘડ બતાવી ફુલ પાંદડીઓ સત્તાધારી પક્ષની છાવણીમાં ઉછાળીને વિરોધ દર્શાવ્યો હતો.બેઠકમાં પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ, કારોબારી ચેરમેન અરવિંદ પટેલ અને એમ.જે.પટેલ ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાત, જયેશ પટેલ, શૈલેષ પટેલ, બીપીન પરમાર, ગોપાલ રાજપૂત, મહેશ પટેલ સહિત અન્ય ચર્ચામાં જોડાયા હતા.

ડબલ સૂચિત વેરા વધારો :-

પાણી (રહેણાંક) રૂ.600 ના રૂ. 1200

પાણી (કોમર્શિયલ) રૂ.1800 ના રૂ.3600

ભૂગર્ભ ગટર(રહેણાંક) રૂ. 300 ના રૂ.600

ભૂગર્ભ ગટર (કોમર્શિયલ) રૂ.500-2500 ના રૂ.1000-5000

સફાઈ રૂ.100 ના રૂ.200

સ્ટ્રીટલાઈટ રૂ. 50 ના રૂ.100.

આમ ઉપર દર્શાવેલ કરવેરા માં ડબલ વધારો 1 જાન્યુઆરીથી અમલી કરવા નક્કી કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *