પાટણપાટણ શહેર

પાટણમાં કેન્સરની વેદનાથી ત્રાસી દર્દીએ પાળી ઉપરથી પડતું મૂકતાં નીપજ્યું મોત

Rate this post

પાટણ શહેરમાં શંકુઝ હોસ્પિટલમાં ત્રણ દિવસથી સારવાર લઈ રહેલા રાધનપુર તાલુકાના દેવ ગામના યુવાન દર્દીએ કેન્સરની અસહ્ય વેદનાથી ત્રસ્ત આવીને કર્મચારી અને પરિવારની નજર ચૂકવી અંડરગ્રાઉન્ડ પાર્કિંગની પાળી પરથી 15 ફૂટ નીચે છલાંગ લગાવતા ગંભીર ઈજાઓ થતાં અડધો કલાક સારવાર પછી મોત થયું હતું. આ અંગે મૃતકની માતાએ પાટણ બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો.

રાધનપુર તાલુકાના દેવ ગામે રહેતા પ્રકાશભાઈ હમીરભાઇ ઠાકોર ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના બે દીકરા પૈકી એક વર્ષ અગાઉ એક દીકરો અકાળે મૃત્યુ પામ્યો હતો. તેઓ પોતે છેલ્લા એક વર્ષથી જીભનું કેન્સર થયું હોઈ મહેસાણા શંકુઝ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું હતું. તેઓને ગુરુવારે ઝાડા ઉલટી થઈ જતા પાટણ શંકુઝ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાં કાઉન્ટ ઘટી જતા તેની સારવાર બીજા માળે જનરલ વોર્ડમાં થઈ રહી હતી . રવિવારે સાંજે 6 વાગ્યાના અરસામાં ગરમી લાગતી હોવાથી બહાર પાટલી ઉપર તેમની માતા રતનબેન પાસે આવીને બેઠા હતા પણ તે વખતે વોચમેન લઘુ શંકા કરવા ગયો હોઈ તેની માતાને નીચે જઈને આવું તેમ કહી ત્રીજા માળેથી સત્તાવન પગથિયાં નીચે ઉતરી બાજુની ગેલેરીમાં થઈ બાજુના શાશ્વત કોમ્પ્લેક્સના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની 15 ફૂટ ઊંચી પાળી પરથી નીચે પડતું મૂકતા નીચે પટકાતા ડાબા હાથે અને માથા પર ગંભીર ઇજાઓ થતા તરફડિયા મારવા લાગ્યા હતા. તેઓની તાત્કાલિક સારવાર શરૂ કરાઈ હતી પણ અડધો કલાકની સારવાર બાદ મોત થયું હતુ.

પાટણ સરકારી સિવિલ ખાતે પીએમ કરાવી મૃતદેહને વાલી વારસોને સોંપ્યો હતો. મૃતકની માતા રતનબેન હમીરભાઈ ઠાકોરે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. તપાસ અધિકારી એ એસ આઈ કિરીટભાઈ દાનાભાઈએ જણાવ્યું હતું કે મૃતક પાળી પરથી નીચે પટકાતા મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *