પાટણ: સાંતલપુર નેશનલ હાઇવે પર એસ.ટી. બસ પલટી મારી જતા 5 મુસાફરો થયા ઈજાગ્રસ્ત
તાજેતરમાં જ રાધનપુર એસટી ડેપોમાં ફરજ બજાવતા એસટી ડ્રાઇવર દ્વારા ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી માર્ગ ઉપરથી પસાર થતાં રાહદારીને અડફેટમાં લીધો હતો. તે ઘટના હજુ તાજી છે ત્યાં પ્રથમ નોરતે મોડીરાત્રે સાંતલપુર તાલુકાના સિધાડાથી બાબરા ગામના હાઇવે માર્ગ પરથી પસાર થઈ રહેલી એસટી બસ પલટી ખાઈ ગઈ હતી.
ડ્રાઈવરે બસના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા 45થી વધુ મુસાફરો ભરેલી એસટી બસ રોડ પર પલટી ખાઈ જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 5 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી. સાથે એસટી બસના ડ્રાઇવરના પગના ભાગે ફેક્ચર થયું હતું. તમામ ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
નવરાત્રિની પ્રથમ રાત્રીએ આશરે 2-00 કલાકે પાટણ જિલ્લાના સાંતલપુરના નેશનલ હાઈવે નંબર 27 ઉપર થી પસાર થતી ખેડબ્રહ્મા- ગાંધીધામ એસટી બસના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઇવિંગ કરી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એસટી બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. જેથી 5 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. એસટી ચાલકને પગે ફેક્ચર થતા 108 મારફતે સાતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ખેડબ્રહ્માથી ગાંધીધામ તરફ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. જેથી બસમાં બેઠેલા મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. બસમાં સવાર મુસાફરોમાંથી 5 મુસાફરોને ઈજા પહોંચી હતી. જ્યારે 40 જેટલા મુસાફરોનો આબાદ બચાવ થતાં એસટી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, આ અકસ્માતની ઘટના બાબતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનું જાણી શકાયું નથી.