પાટણ : પાટણ : 17 વર્ષીય સગીરાને અલગ અલગ હોટલમાં લઈ જઈ નરાધમે દુષ્કર્મ આચર્યું.
પાટણ શહેરમાં એક હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં 17 વર્ષની સગીરાને તેનાથી 10 વર્ષ મોટા નરાધમ યુવકે લગ્નની લાલચે ફોસલાવી શહેરની અલગ અલગ હોટલોમાં લઈ જઈને વારંવાર દુષ્કર્મ ગુજારી અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું સામે આવ્યું છે. નરાધમને સગીરા સાથેની અંગત પળોના ફોટા અને વીડિયો શુટ કર્યા બાદ તેને વાયરલ કરી દેવાની ધમકી આપી રૂપિયા પડાવ્યા હતા. શારીરિક શોષણ અને બ્લેકમેલિંગથી કંટાળીને આખરે સગીરાએ પોતાની આપવીતી પરિવારજનોને જણાવતા આખરે નરાધમ આરોપી યુવક વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં શહેરની એક સગીરાએ ફરિયાદ નોંધાવી છે કે પાટણ શહેરના શારદા સિનેમા પાસે રહેતો પટેલ નરેશ વિઠ્ઠલભાઈ નામનો 27 વર્ષીય યુવક આજથી બે વર્ષ પહેલા તેના સંપર્કમાં આવ્યો હતો અને તેણીની સાથે મિત્રતા કરી લગ્ન કરવા માટે લલચાવી ફોસલાવીને શારીરિક અડપલા શરૂ કર્યા હતા. પોતાનાથી 10 વર્ષ નાની એવી સગીરાને તેણે લલચાવી ફોસલાવી અનેક વખત પાટણ શહેરમાં આવેલી અલગ અલગ હોટલમાં લઈ જઈને સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ ગુજાર્યું હતું અને સગીરા પાસેથી રૂપિયા ખંખેરવા માટે સગીરાના અશ્લીલ વીડિયો અને ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી એક બાદ એક રૂપિયા પડાવવાના શરૂ કર્યા હતા. જેથી સગીરા ત્રસ્ત થઈ જતા આખરે તેણીએ પોતાની આપવીતી પોતાના પરિવારજનોને જણાવી હતી.
સગીરાના પરિવારજનોએ તેણીને હિંમત આપીને આવા નરાધમ યુવકને પાઠ ભણાવવો જ જોઈએ તે રીતે શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી પટેલ નરેશભાઈ વિઠ્ઠલભાઈ રહે પાટણ શારદા સિનેમા સામે પાટણ વાળા વિરુદ્ધ દુષ્કર્મ તથા પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે