સરદાર સરોવરની જળ સપાટીમાં વધતા પાટણ પંથકના ગ્રામજનોને કરાયા એલર્ટ
સરદાર સરોવરની જળ સપાટી વધતાં પાટણના નદી કાંઠાનાં ગામડાઓને અને નર્મદા મુખ્ય નહેરની લાઈનદોરી પાસે આવતા ગ્રામજનો, જાહેર જનતા એલર્ટ કરાયા છે. સરદાર સરોવરની જળ સપાટી વધતાં બનાસ, ખારી નદી કાંઠાના ગામડાઓને ચેતવણી આપી દેવાઈ છે. કેનાલો અને નદીઓમાં કયારે પણ પાણી છોડવામાં આવી શકે તેમ છે. તો આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પાટણ, બનાસકાંઠા જિલ્લાની બનાસ અને ખારી બંને નદી કાંઠે રહેતા લોકોને અલર્ટ રહેવા જણાવાયું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ પાટણ શાખા દ્વારા જાહેર જનતા માટે એલર્ટ રહેવા જણાવાયું છે. સરદાર સરોવરની જળ સપાટી વધતા લેવલ જાળવવા નર્મદા કેનાલ મારફત પેટા કેનાલો અને નદીઓમાં પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. પાટણ જિલ્લામાં હારીજ તાલુકામાંથી ખારી અને બનાસ નદી પસાર થાય છે. ત્યારે નદી કાંઠા વિસ્તારના ગ્રામજનો સાવચેત રહે તેવી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ વતી, કાર્યપાલક ઈજનેર, નર્મદા યોજના મુખ્ય નહેર વિભાગ દવરા ચેતવણી આપવામાં આવી છે જેમાં જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય નહેરના કાંઠા પરના ગામલોકોએ કે વટેમાર્ગુએ કોઈપણ સંજોગોમાં મુખ્ય નહેરમાં હાથ-પગ ધોવા કે પાણી પીવા હેતુ ઉતરવું નહીં. કપડા ધોવા નહેરમાં ઉતરવું નહીં. પાણી ઊડું હોઈ ડૂબી જવાનું જોખમ છે. આમ છતાં આ સુચનાનો ચુસ્તપણે અમલ ન કરાય તેવા સંજોગોમાં જાહેર જનતાના જાનમાલનું નુકસાન થવાની સંભાવના છે. આથી સુચનાનો ચુસ્તપણે અમલ કરવા માટે જાહેર જનતાને ચેતવણી આપવામાં આવે છે. આમ છતાં આ સુચનાઓનો અમલ નહીં કરવામાં આવે તો તેથી થતાં કોઈપણ પ્રકારના જાનમાલની નુકસાનની સઘળી જવાબદારી જે તે વ્યકિતની રહેશે અને સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ, આવી કોઈપણ જાતની નુકસાની માટે જવાબદાર રહેશે નહીં. નર્મદા મુખ્ય નહેરની સંપાદન કરેલ જમીનમાં અનધિકૃત પ્રવેશ કરવો નહી કે મશીન ધ્વારા પાણી ઉલેચવું નહી કે નહેરના પાળા, સર્વીસ રોડ, આઈ.પી રોડ કે નહેરને નુકસાન પહોંચાડવું નહીં. નહીં તો પ્રવેશ ધારા હેઠળ ફોજદારી રાહે પગલાં લેવામાં આવશે. જેની સર્વે ગ્રામજનો તથા લાગતા-વળગતાઓએ નોંધ લેવી.