તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું પાટણ
ભારત દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી દેશમાં તિરંગા યાત્રા યોજાઇ રહી છે. જેને અનુલક્ષીને પાટણ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર અને શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓના ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઇ હતી. જેને સાંસદ સભ્યશ્રી ભરતસિંહ ડાભીએ અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવીને એમ એન હાઈસ્કૂલથી પ્રસ્થાન કરાવી હતી.
આ તિરંગા યાત્રામાં બે ઘોડેસવાર, પોલીસ વિભાગની ખુલ્લી જીપ, પાટણ શહેરના શાળાઓના વિદ્યાર્થીઓ, વિધાર્થિનીઓ, ભવાઈ કલાકારો, સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત પાટણના નાગરિકો સાથે હજારોની જનમેદની જોડાઈ હતી. આ તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડાશ્રી રવીન્દ્ર પટેલ, મદદનીશ કલેકટરશ્રી કુ. હરિણી કે.આર, નગરપાલિકા પ્રમુખશ્રી હિરલબેન પરમાર, સંગઠનના આગેવાનોશ્રી દશરથજી ઠાકોર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ પદયાત્રા કરી તિરંગા યાત્રામાં સહભાગી બન્યા હતા.
પાટણની એમ એન હાઈસ્કૂલથી શરૂ થયેલી આ તિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા. તિરંગા યાત્રાનો પથ દેશભક્તિના રંગે રંગાયો હતો. એમ એન હાઇસ્કુલ થી નીકળેલી આ તિરંગા યાત્રા રંગીલા હનુમાન, ત્રણ દરવાજા, હિંગળાજ ચાર ચાર સર્કલ થઈ બગવાડા પહોંચી હતી. ભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિ ગીતોની પણ સરવાણી કરવામાં આવી હતી. જેથી રાષ્ટ્ર ભક્તિના ના જયઘોષથી પાટણ શહેર ગુંજયું ઉઠયું હતું. છેલ્લે રેલવે સ્ટેશન પાસે તિરંગા યાત્રામાં જોડાયેલા લોકો શિસ્તબદ્ધ રીતે ગોઠવાઇ તિરંગા યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. આમ તિરંગા યાત્રામાં આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાઈ તિરંગા યાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવી હતી.