પાટણ: શંખેશ્વર-સમી હાઇવે પર હોટલનાં સંચાલક દ્વારા ટેન્કરોમાંથી ડિઝલ ચોરીનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું
શંખેશ્વરથી સમી તરફ જતાં રોડ ઉપર એક હોટલનાં સંચાલક દ્વારા ટેન્કરોમાંથી ડીઝલ કાઢીને જુદા જુદા ગ્રાહકોને ડિઝલ વેચવાનું કૌભાંડ પાટણ એસઓજી પોલીસે ઝડપી પાડ્યું હતું.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણ એસઓજી પોલીસને ખાનગી બાતમી મળી હતી કે, શંખેશ્વરથી સમી તરફ જતા હાઈવે ઉપર આવેલી ‘જય કેશરિયા’ હોટલનાં સંચાલક ટેન્કરોનાં – ડ્રાયવર સાથે સંપર્ક કરીને હોટલનાં પાર્કિંગમાં ટેન્કરોમાંથી ગેરકાયદેસરરીતે ડિઝલ કાઢી કેરબાઓમાં સંગ્રહ કરી જુદા જુદા ગ્રાહકોને વેચાણ કરે છે.
જે હકીકત આધારે પાટણ એસઓજીના કર્મચારીઓએ ઓચિંતી રેડ કરી હતી જેમાં ખુલ્લા પાર્કિંગમાં એક સફેદ કલરનું ટેન્કર પડેલું હતું, તેની સાઇડમાં આવેલા વાલ્વમાં એક પ્લાસ્ટિકની પાઈપ લગાડી પ્લાસ્ટિકનાં કેરબામાં બે શખ્સો ડિઝલ કાઢતા મળી આવ્યાં હતા. પોલીસે બંનેને પકડી પાડી નામ પૂછતાં તેઓએ પોતાનાં નામ બાબુજી હોવાનું ને પોતે ટેન્કરનાં ચાલક હોવાનું જણાવ્યું હતું જ્યારે બીજો વ્યક્તિ કેશરિયા હોટલનાં સંચાલક દિલીપસિંહ રે. શંખેશ્વર હોવાનું જણાવ્યું હતું.
આ બંને શખ્સો ટેન્કરોમાંથી ડીઝલ કાઢીને વેચતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે અત્રેથી ટેન્કરમાંથી કાઢવામાં આવેલા 26-25 લીટર મળી કુલે 50 લીટર ડિઝલથી ભરેલા બે કેરબા કિ.રૂ।.4500નો જપ્ત કર્યો હતો. અને આ અંગે પોલીસે ગુનો નોંધ્યો હતો. તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે, આ લોકો આ ટેન્કરનાં વાલ્વ બોક્ષની ડૂપ્લીકેટ ચાવી બનાવી તેનાથી વાલ્વ બોક્ષ ખોલી ડીઝલ ચોરતા હતાં.