સિધ્ધપુર તાલુકાના વાઘરોલ ગામના બે બાળકોની મુક બધિરતાનું ઓપરેશન વિનામૂલ્યે કરાયું
National Child Health Scheme : ગુજરાત સરકાર તરફથી બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા 0થી 18 વર્ષના બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવતી હોય છે. જો કોઈ બાળકમાં કોઈ બીમારીના લક્ષણ જણાય તો તે બીમારીને દૂર કરવા માટે આરોગ્ય સુવિધા પૂરી પાડી આરોગ્ય લક્ષી તમામ ખર્ચ ગુજરાત સરકાર તરફથી ઉપાડવામાં આવે છે. આ યોજના અન્વયે પાટણ જિલ્લાના બે બાળકોને ૧૦ લાખથી વધુના ખર્ચવાળી કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનની સારવાર વિનામૂલ્યે આપી તેમને નવજીવન આપવામાં આવ્યું છે.
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના વાઘરોલ ગામના રહીમાંબેન આબીદ હુસેન કડીવાલના બે બાળકો મોહમ્મદ હુસેન- ૧૦ વર્ષ , કાશીમ- ૫ વર્ષ જન્મજાત મુક બધિરતાથી પિડાતા હતા. શાળા આરોગ્ય કાર્યક્રમ દરમિયાન તબીબ દ્વારા આ બંને બાળકોનું નિદાન કરવામાં આવ્યું. ત્યારબાદ સરકારશ્રીની જન હિતકારી આરોગ્યલક્ષી યોજના એવી RBSK હેઠળ
ગાંધીનગર સીવીલમાં તેમનું સફળ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું. આ બંને બાળકોને કોકલીયર ઇમ્પ્લાન્ટ મશીન વિનામૂલ્યે મુકવામાં આવ્યું. જેનો ખર્ચ ૧૧-૧૧ લાખ જેટલો થયો. આ મશીન મૂકવાથી બન્ને પુત્રો સાંભળવા અને બોલવા લાગ્યા અને સામાન્ય બાળકોની જેમ શાઆળામાં અભ્યાસ પણ કરવા લાગ્યા છે. બાળકોના સફળ ઓપરેશન થકી ખુશ થયેલા પરિવારે ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
સરકારશ્રીની જન હિતકારી આરોગ્યલક્ષી યોજના RBSK ગંભીર બીમારીઓથી પીડાતા બાળકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. આ યોજના અન્વયે સરકારશ્રી દ્વારા ગંભીર બિમારીથી પીડાતા બાળકોના ઘરની મુલાકાત, માતા-પિતાનું કાઉન્સેલિંગથી લઈને હોસ્પીટલમાં ઓપરેશન અને ત્યાર પછીના ફોલો-અપ સુધી તમામ સ્તરે મદદ કરવામાં આવે છે.