હારીજ : વ્યાજખોરીના દુષણને ડામવા એસપીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો.
નાણા ધિરધાર અધિનિયમ અંતર્ગત સરકારની સૂચના મુજબ રાજ્યભરમાં લોકજાગૃતિના પગલાં ભરાઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પણ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જેમાં ઘણા લોકોને નાણાં ધીરધાર અંગેના નિયમો કે તે માટેના લાયસન્સ અંગે સંપૂર્ણ માહિતી હોતી નથી અને વ્યાજખોરોના સકંજામાં પિસાવું પડતું હોય છે. તે અંગે નિયમોની જોગવાઇથી વાકેફ કરવાનો અને ભોગ બનનાર હિંમતપૂર્વક રજુઆત કરવા આગળ આવે તે તંત્રનો હેતુ રહ્યો છે.
આમ તો પ્રજાએ કે ભોગ બનનારે પોતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જઈને આપવાની હોય છે પરંતુ આજે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ પ્રજાની રજૂઆત સાંભળવા માટે હારીજ ખાતે લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા.
નાણા ધિરનાર અધિનિયમ મુજબ કોઈપણ વ્યક્તિ જે સરકારના રજીસ્ટરમાં માન્ય હોય તે સરકારના ધારાધોરણ મુજબ ધિરાણ કરી નિયત દરે વ્યાજ લઈ શકે છે પરંતુ ઘણીવાર લોકો આ કાયદાથી સંપૂર્ણ માહિતગાર ન હોય ત્યારે બિન અધિકૃત વ્યાજખોરોની માનસિકતાનો અને શોષણનો ભોગ બની પોતે તેમજ સંપૂર્ણ પરિવાર જે તે પીડાના ભોગી બનતા હોય છે. ઘણીવાર વ્યાજખોરોની ધમકી કે દબાણથી કંટાળીને જે તે વ્યક્તિ આત્મહત્યા પણ કરી લેતા હોય છે અથવા સહકુટુંબ આત્મહત્યા પણ કરતા હોય છે.
આવા સંજોગોમાં પ્રજાએ શોષિત બની આત્મહત્યા કરી લેવી તે યોગ્ય નથી પણ તે સંજોગોમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને માહિતી લઈને વ્યાજખોરોને ખુલ્લા પાડવા જોઈએ અને પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ.
આ પ્રસંગે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ, ડીવાયએસપી ડી.ડી. ચૌધરી (રાધનપુર), પીઆઇ. આર.એમ વસાવા (ચાણસ્મા) અને પીએસઆઇ આર કે પટેલ વગેરે ઉપસ્થિત રહીને પ્રજાજનોનું પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન સંજય ઠાકોરે કર્યું હતું.