ગુજરાતપાટણપાટણ શહેર

પાટણમાં ગજાનંદ જવેલર્સ – ધ્રુવી કરિયાણાની દુકાનમાંથી ચોરી કરનારા આરોપીઓ ઝડપાયા

Rate this post

પાટણ શહેરનાં મોતીશા ચોક વિસ્તારમાં આવેલી ગજાનંદ જવેલર્સ અને ધ્રુવી પ્રોવીઝન સ્ટોર કરિયાણાની દુકાનમાંથી તાજેતરમાં તા.19મીનાં રોજ તાળા તોડીને રૂ. 90 હજારની કિંમતનાં દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી જે બનાવની તપાસ હાથ ધરીને પાટણ એલસીબી પોલીસે ચાર શખ્સો (૧) રાહુલ કાંતિલાલ પટ્ટણી (૨) પ્રવિણજી ઉર્ફે ટરીચો સુરસંગજી સજી ઠાકોર રે. ઊંઝા (૩) રાજુ રમણભાઇ પટ્ટણી, રે. ઊંઝા તથા મહિલા કામીનીબેન કમલેશભાઇ સોની રે. ઊંઝાવાળીની અટકાયત કરી હતી અને તેઓની પાસેથી રૂ. 750ની ચાંદીની ત્રણ વીંટી, રૂ. 86,759 ની કિંમતના 1260 ગ્રામનું ચાંદીનાં દાગીનાં ઓગાળીને બનાવેલું ચાંદીનું બિસ્કીટ, તથા રૂ. 7500 નાં ત્રણ મોબાઇલ ફોન એમ કુલ રૂ. 97,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પાટણ એલસીબી પોલીસે આ બનાવની તપાસ માટે પાટણનાં નેત્રમ કમાન્ડ કંન્ટ્રોલ સેન્ટર તથા મોતીશા ચોકમાં લગાવેલા સીસીટીવીનાં ફૂટેજ ચેક કરતાં તા.19મીની રાત્રે 2.45 થી 3.30 વાગ્યા દરમ્યાન પાટણનાં મોતીશા ચોકથી બળીયાપાડા જવાનાં રોડ ઉપર આવેલા સિંધવાઇ હેર સ્ટાઇલ નામની દુકાન સામે આવેલ રાધનપુરીવાસની ગલીમાંથી એક શખ્સ બહાર નિકળી રેકી કરી તે જ ગલીમાં ગયો હતો. ને ત્યારબાદ બે અજાણ્યા શખ્સો તે જ ગલીમાંથી બહાર નિકળી છૂપાતાં પ્રથમ ગજાનંદ જ્વેલર્સનાં ઓટલા પર બેસીને દુકાનનું તાળું તોડી દુકાનમાં પ્રવેશી ચોરી કરી બાજુની ધ્રુવી કરિયાણાની દુકાનમાંથી ચોરી કરીને છુપાતાં પાછા તે જ ગલીમાં જતા નજરે પડ્યા હતાં.

જે આધારે આ ત્રણેય શખ્સોની મોતીશા ચોક પાસેનાં રાધનપુરીવાસની ગલીમાં જઈને તપાસ કરતાં તે ગલીમાં આવવા જવાનો એક જ રસ્તો હોવાથી તે ગલીમાં ફક્ત નવ ઘર હોવાથી પોલીસે તપાસ કરતાં ગલીમાં છેલ્લે ખૂણામાં આવેલ મકાનમાં રાહુલ પટ્ટણી તેનાં પરિવાર સાથે ઊંઝાથી બે માસ પહેલાં જ રહેવા આવ્યો હતો. ને તે કોઇ કામધંધો કરતો ન હોવાનું તથા ચોરીની સાંજે બે અજાણ્યા શખ્સો તેનાં ઘેર રોકાયા હોવાનું ને ચોરી થયાનાં વહેલી સવારે ત્રણે જણો ઘર બંધ કરીને ક્યાંક જતા રહ્યા હતાં. તે જાણકારી આધારે પોલીસે તેમને પકડવા ચક્રો ગતિમાન કરતાં મળેલી બાતમીના આધારે પાટણનાં ખાન સરોવરનાં બગીચામાં રાહુલ પટ્ટણી ચોરીનાં મુદ્દામાલ સાથે બેઠો હોવાનું જણાતાં પોલીસે રાહુલ પટ્ટણી, પ્રવિણ ઠાકોર તથા રાજુ પટ્ટણીની ધરપકડ કરી હતી.

પોલીસે તેમની પાસેથી ચોરીની ત્રણ ચાંદીની વીંટીઓ જપ્ત કરી હતી. તથા પોલીસે ત્રણેયની અટકાયત કરીને રિમાન્ડ મેળવી પૂછપરછ કરતાં આ ચોરી કરેલા દાગીના ઊંઝા ખાતે દરજી ચકલામાં કામીનીબેન કમલેશભાઇ સોનીને વેચાણ આપેલા હોવાનું જણાતાં પોલીસે કામિનીબેનની તપાસ કરતાં તેણે ઉપરોક્ત આરોપી પાસેથી ચાંદીનાં દાગીના કોઇપણ બીલ વગર ખરીદી લઇને તે દાગીના ગાળીને તેનું બિસ્કીટ બનાવ્યું હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *