પાટણમાં એક વૃદ્ધ દંપતીને દાગીના અને વાસણ ધોઇ આપવાના બહાને ગઠિયાઓએ છેતરપીંડી આચરી
પાટણના રાજમહેલ રોડ પર આવેલી મહાવીરનગર સોસાયટીમાં રહેતા અને પાટણની આટર્સ કોલેજમાં અંગ્રેજીનાં પ્રોફેસર તરીકે નોકરી કરતા રાજેશભાઈ શીવાભાઈ પટેલનાં માતા-પિતા સાથે વાસણોને કેમિકલથી ધોઈને ઉજળા કરી આપવાના બહાને સોનાનાં દાગીના પણ ધોઈ આપવાનાં બહાને આ દાગીનામાંથી વજન ઓછું કરીને તેઓની સાથે છેતરપીંડી આચ૨વામાં આવી હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ, પ્રો. રાજેશભાઈ પટેલ અને તેમનાં પત્નિ ગઈકાલે મહેસાણાનાં કરશનપુરા ગામે બેસણામાં ગયા હતા ત્યારે તેમનાં વૃધ્ધ પિતા શિવાભાઈ અને માતા કાંતાબેન ઘરે હતા.
તેમનાં ઘેર બે અજાણ્યા શખ્સોએ આવીને તેઓ વાસણો ધોવા માટેનું પ્રવાહી વેચવા આવ્યા હોવાનું અને વાસણો ધોઈ આપીએ છીએ તેમ કહેતાં માતા કાંતાબેને તેમને તાંબાનો લોટો અને ડીસ ધોવા આપતાં તેમણે કેમીકલમાં તે ધોઈને આપ્યો હતો. આથી તેમને વિશ્વાસ આવતાં તેમણે સોનાનાં દાગીના પણ ધોઈ આપવાનું કહેતાં કાંતાબેને પોતાના હાથમાં પહરેલી અઢી તોલાની સોનાની બે બંગડીઓ ધોવા આપતાં તેઓએ તે ધોઈને ડીસમાં મુકીને તેઓને પરત આપીને બંને જણા જતા રહ્યા હતા.
બાદમાં તેઓએ બંગડીઓનું વજન ચેક કરતાં તે ઓછું જણાતાં તેમની શોધખોળ કરતાં તેઓ મળ્યા નહોતા. તેઓએ બંગડીઓનું વજન ઓછું જણાતાં તેઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતાં તેમણે પાટણ બી ડિવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.