પાટણમાં ડમી સીમકાર્ડ વેચનારા 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
સીમકાર્ડ ખરીદનાર ગ્રાહકની જગ્યાએ અન્ય વ્યક્તિઓના ફોટા અપલોડ કરી કુલ 46 ડમી સીમકાર્ડ સક્રિય કરનાર પાટણ અને ધારપુરના બે શખ્સોને એસઓજીએ પકડ્યા છે. પાટણ એસ.ઓ.જી પોલીસની અલગ અલગ ટીમો બનાવી એટીએસ તરફથી આપેલી માહિતી આધારે ડેટા એકત્રિત અને ડેટા એનાલિસિસ કરી પાટણ જિલ્લામાં અન્ય વ્યક્તિઓના આધાર કાર્ડનો ઉપયોગ કરી અન્ય વ્યક્તિના ફોટા અપલોડ કરી ડમી સીમકાર્ડ સક્રિય કરી વેચાણ કર્યા હતા તેવા બે વ્યક્તિઓને નક્કી કર્યા હતા અને તે બંને શખ્સો મૂળ પાટણના અને હાલ ચાંદલોડિયા ખાતે રહેતા કિશોરકુમાર મોહનલાલ ઠક્કર અને ધારપુરના સુરજજી કલ્યાણજી ઠાકોરને પકડી પાડ્યા હતા. તેમની સામે બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ધારપુરના સુરજજી કલ્યાણજી ઠાકોરે 2019માં દિવાળી પછીથી નવેમ્બર 2021 સુધીમાં જુદી જુદી મોબાઇલ દુકાનોના નામથી કુલ 25 આઈડિયા અને એરટેલ કંપનીના સીમકાર્ડ ગ્રાહકની જગ્યાએ બીજા વ્યક્તિનો ફોટો લગાવી સક્રિય કરી વેચાણ કર્યા હતા. જ્યારે કિશોરકુમાર મોહનલાલ ઠક્કરે 21 સીમકાર્ડ ગ્રાહકની જગ્યાએ બીજા વ્યક્તિઓનો ફોટો લગાવી સક્રિય કરી વેચાણ કર્યા હતા તેવું એસઓજી પોલીસે જણાવ્યું હતું
કંપનીને દુકાનોના ખોટા નામ આપી સીમકાર્ડ ચાલુ કર્યા
એસઓજી પીઆઇ આર જી ઉનાગરે જણાવ્યું હતું કે વધારે પૈસા લઈને દસ્તાવેજ વગર સીમકાર્ડનું વેચાણ કરતા હતા. કંપનીની ગ્રાહક એપ્લિકેશનમાં અલગ અલગ દુકાનના નામ થી ખોટી રીતે સીમકાર્ડ ચાલુ કર્યા છે. આમ કંપનીને દુકાનોના ખોટા નામ આપવામાં આવેલા છે.