પાટણ જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ આવ્યો સામે
સરસ્વતી તાલુકાના નાયતા ગામનાં પ્રતીક ઠાકોર નામનાં 7 વર્ષીય બાળક ચાંદિપુરા વાયરસથી સંક્રમિત થતા બાળકની હાલત હાલ ગંભીર. સરસ્વતીના મોટા નાયતા ગામમાં ધોરણ-1માં અભ્યાસ કરતો 7 વર્ષનો બાળક શનિવારે સવારે તો શાળાએ ગયો હતો.ત્યારબાદ તાવ આવતા તબિયત લથડી હતી. જેથી પરિવાર રવિવારે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતાં. તબિયત વધુ બગડેલ હોય ડોક્ટર દ્વારા ધારપુર સિવિલમા જવા સલાહ આપતા ધારપુર જતા બાળકને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતાં સિરમ સેમ્પલ લઈ અમદાવાદ ખાતે લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવતાં બુધવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તાત્કાલિક બાળ રોગ નિષ્ણાત દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે. ચાંદીપુરાનો કેસ નોંધાતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
રેપિડ રિસ્પોન્સ ટીમ ધારપુર અને એપેડેમોલોજીસ્ટ સહિતની ટીમે તેના ઘરની મુલાકાત લીધી હતી. આરોગ્યની ટીમોએ ગામમાં અને તેના ઘર પાસે પાવડરનો છંટકાવ સાથે ગામની સાત જેટલી શાળામાં સર્વે અને જનજાગૃતિ કામગીરી શરૂ કરી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિષ્ણુભાઈ પટેલ, ઈ.અમ.ઓ. ડો.નરેશભાઈ ગર્ગ, ટી.એચ.ઓ ડો.મિતેશ પ્રજાપતિ ટી.ડી.ઓ મામલતદાર સહિતના અધિકારીઓએ ગામમાં પહોંચ્યા હતા.
નાયતા ગામે આરોગ્ય તંત્ર દ્વારા 400 જેટલા મકાનોમાં 8 ટીમો દ્વારા સ્પ્રેથી દવા છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે.ચાંદીપુરા વાયરસનો કેશ આવતાં ગામમાં વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે.