પાટણ : રેલવે સ્ટેશનની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધસી પડતા શ્રમિક દટાતા મોત
Patan રેલવે સ્ટેશનના નવીનીકરણની કામગીરી દરમિયાન માટીની ભેખડ ધરાશાયી થતાં 20 ફૂટ નીચે સેફટી હેલ્મેટ કે બોડી પ્રોટેકટરની સુરક્ષા વગર કામ કરી રહેલા મધ્યપ્રદેશનો શ્રમિક દટાતા તેનું મોત થયું હતું. Railway પ્લેટફોર્મ નજીક હોઈ સવારે 10 :00 ના અરસામાં પાટણ-મહેસાણા લોકલ ટ્રેન ઉપડતાં તેની ધ્રુજારીના કારણે માટી ઘસી આવી હોવાનું સ્થાનિકોનું અનુમાન છે.
Patan રેલવે સ્ટેશનના આધુનિકરણ માટે બિલ્ડિંગનાં પાયાનાં સ્ટ્રક્ચરની કામગીરી ચાલી રહી છે.આ કામગીરીમાં મધ્યપ્રદેશના 10 જેટલા મજૂરો કામ કરી રહ્યા છે. રવિવારે સવારે 10:00ના અરસામાં પ્લેટફોર્મ નંબર 1 નજીક અચાનક માટીની ભેખડ ધરાશાયી થતાં 20 ફૂટ નીચે કામગીરી કરી રહેલાં 30 વર્ષીય મૂળ મધ્યપ્રદેશના ગુજરેડ,સિધીના વતની વિનોદકુમાર સિંહ રામશરણ ગોડ માટી નીચે દટાયા હતા. આ ઘટનાની જાણ અન્ય મજૂરોને થતા તાત્કાલિક માટી નીચે દટાયેલા વિનોદકુમારસિંહને બહાર કાઢી પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતુ તેનું મોત થયું હતું.
રેલવે પોલીસને જાણ થતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. બાદમાં પાટણ સિવિલમાં મૃતકનું પીએમ કરી વાલી વારસોને લાશ સોંપતા એમ્બ્યુલન્સમાં મધ્યપ્રદેશ ખાતે લઈને જવા તજવીજ હાથ ધરી હતી. મૃતકના નાનાભાઈ પ્રભાતસિંહે જણાવ્યું હતું કે તેમના ભાઈ વિનોદકુમાર સિંહ મધ્યપ્રદેશમાંથી મજૂરી અર્થે અહીં આવ્યા હતા તેઓ પરણીત છે અને તેમને સંતાનમાં 3 બાળકો છે.
રેલવે પોલીસના એ.એસ.આઇ વિશાભાઈએ જણાવ્યું હતું કે યુવકને માથામાં કપાળના ભાગે લોખંડની ખીલાશરીથી ગંભીર ઇજાઓ પહોંચી છે. તેના ડાબા પગ અને ડાબા હાથે પણ ફ્રેક્ચર થયાં છે. શરીરે માર વાગવાથી ઇજાઓ થયેલી છે.