ગુજરાતપાટણપાટણ શહેર

પાટણની ઐતિહાસીક ધરોહર રાણી કી વાવની મુલાકાત લઈને અભીભૂત થયા મંત્રી ભાગવત કરાડ

Rate this post

કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણામંત્રી શ્રી ડૉ. ભાગવત કરાડ પાટણનાં બે દિવસીય પ્રવાસે છે. આજે બીજા દિવસે મંત્રીશ્રીએ સવારની શુભ શરૂઆત પાટણના ઐતિહાસીક કાલિકા માતાના મંદિરે દર્શન કરીને કરી હતી. કાલિકા માતાના દર્શન બાદ મંત્રીશ્રી વિશ્વ ઓળખ સમાન પાટણની શાન રાણકી વાવની મુલાકાતે ગયા હતા જ્યાં રાણકી વાવનું નકશીકામ જોઈને તેઓ અભીભૂત થયા હતા. રાણકી વાવની મુલાકાત બાદ મંત્રીશ્રીએ પટોળા હાઉસ અને વીર મેઘમાયા સ્મારકની મુલાકાત લીધી હતી.

આજરોજ સવારે કાલિકા માતાના મંદિરે દર્શન કર્યા બાદ મંત્રીશ્રીએ પાટણની શાન એવી રાણકી વાવની મુલાકાત ટીકીટ ખરીદીને કરી હતી. રાણકી વાવની મુલાકાત લેતા મંત્રીશ્રી ભાગવત કરાડ જણાવ્યું હતુ કે, પાટણની રાણકી વાવ વિશે જે સાંભળ્યું હતું એનાથી પણ વિશેષ આ વાવની સુંદરતા છે. સાત માળની રાણકી વાવ જોઈને ખરેખર ખૂબ આનંદ થયો છે. ગુજરાતના રાજા રાણીએ બનાવેલ આ ઐતિહાસીક વાવ હિન્દુત્વની એક આગવી ઓળખ સમાન છે. મંત્રીશ્રીએ પાટણમાં વિવિધ યોજનાઓ થકી લાભાર્થીઓને જે લાભ થયો છે તેની વાત પણ કરી હતી અને વહીવટીતંત્રને દરેક યોજનાનું સો ટકા અમલીકરણ થાય તેવું સુચન પણ કર્યું હતુ.

રાણકી વાવની મુલાકાત બાદ મંત્રીશ્રી પટોળા હાઉસની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓએ પટોળા બનાવતા પરીવારની સાથે મુલાકાત લઈને પટોળા કઈ રીતે બને છે તેની આખી રીત સમજી હતી, અને પરીવારને આટલા અધભૂત પટોળાનું નિર્માણ કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. પટોળા હાઉસની મુલાકાત બાદ મંત્રીશ્રી સીધા વીર મેઘમાયા સ્મારકની મુલાકાતે ગયા હતા જ્યાં તેઓએ મંદિર બનાવવાના પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતુ.

કાલિકામાતા મંદિર, રાણકી વાવ, પટોળા હાઉસ અને વીર મેઘમાયા સ્મારકની મુલાકાત દરમિયાન મંત્રીશ્રી ભાગવત કરાડ સાથે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતી બેન મકવાણા, નગરપાલિકા પ્રમુખશ્રી સ્મિતાબેન પટેલ, સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, તેમજ વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *