પાટણ જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ
પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની દ્વારા પાટણ સાંસદશ્રી ભરતસિંહજી ડાભીનાં અધ્યક્ષસ્થાને દિશા મિટિંગ યોજાઈ હતી. દિશા મીટીંગમાં કેન્દ્ર અને રાજયસરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણની ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ(દિશા) કમિટીની બેઠકનું જિલ્લા સેવા સદન ખાતે કરવામાં આવ્યુ હતુ. પાટણ સાંસદશ્રી ભરતસિંહજી ડાભીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ પાટણ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરીને સાંસદશ્રી સમક્ષ કામગીરીની માહિતી રજૂ કરવામાં આવી હતી.
બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓ જેમ કે, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તદઉપરાંત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમજ અન્ય વિભાગો આઈ.સી.ડી.એસ, માર્ગ અને મકાન (સ્ટેટ) ની કામગીરી, તેમજ ઈ-ગ્રામ યોજના અંતર્ગત થયેલ કામગીરી, સર્વ શિક્ષા અભિયાન, ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિવિધ યોજનાઓ (કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની) અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રેઝન્ટેશનને જોઈને સાંસદશ્રી દ્વારા જરૂરી સુચનો પણ આપવામાં આવ્યા હતા. ખાસ કરીને પાટણ જિલ્લાના રોડ-રસ્તા અને સાફ-સફાઈને લઈને અગત્યના સુચનો સાંસદશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા.
જિલ્લા સેવા સદન ખાતે સાંસદશ્રી ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં મળેલી આજની દિશા બેઠકમાં જીલ્લા કલેકટરશ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધીકારીશ્રી બી.એમ.પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટરશ્રી બી.એસ.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.પી.જોશી, પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી હિરલબેન પરમાર તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.