પાટણમાં યુવાનનું અપહરણ કરી સરસ્વતિ નદીનાં પટમાં લઇ જઈ ઊંધો લટકાવીને માર માર્યો
પાટણ શહેરની ગાંધીજીની પ્રતિમા પાસે રેલ્વે ગરનાળા નજીક તાજેતરમાં બાઇક અથડાવાની બનેલી ઘટના અને થયેલી મારામારીના બનાવની અદાવતમાં વધુ એક યુવાન પર સાત જણાએ વાળીનાથ ચોક પાસે જીવલેણ હુમલો કર્યો હતો અને તેનું અપહરણ કરીને પાટણની સરસ્વતિ નદીના પટમાં લઈ જઈને તેને ઊંધો લટકાવીને માર મારી ફેકચર તથા ઇજાઓ કરીને તેને ગાડીમાં બેસાડીને પાટણમાં ટી.બી. ત્રણ રસ્તા પાસેની પાયલપાર્ક સોસાયટી પાસે રોડ ઉપર નાંખી જતા રહ્યા હતા.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણમાં ગીતાંજલી સોસાયટી પાસે મીનાપાર્કમાં રહેતા અર્જુન ઉર્ફે મોન્ટુ અશોકભાઇ ભીલ (ઉ.વ.21) તા. 24-10-23નાં રોજ તેનાં મિત્ર કિશન સાથે પાટણ-ઊંઝા ત્રણ રસ્તે બેઠો હતો ત્યારે તેનાં ફોનમાં દિલીપ નામનાં વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ મારફતે ફોન કરીને પાટણનાં વાળીનાથ ચોક પાસેનાં ફોરચ્યુન ફ્લેટ પાસે આવવા જણાવી તેમની સાથે બે દિવસ પૂર્વે થયેલા ઝઘડાનાં સમાધાનની વાત કરવા બોલાવતાં અર્જુન અને કિશન ઉપરોક્ત સ્થળે જતાં અત્રે સાતેક જણા હાથમાં ધોકા, પાઇપ લઇને ઉભેલા હતા.
તેઓએ અર્જુનને ઘેરી લઇને ‘તે બે દિવસ પૂર્વે અમારા છોકરાને કેમ માર્યો હતો, તારી આટલી ઓકાત…’ એમ કહીને તેને પાઇપ ધોકાથી આડેધડ પગ અને હાથે માર મારતાં અત્રે કાર અને બાઇક ઉપર આવેલા અન્ય લોકોએ અર્જુનને ઉપાડીને કારમાં નાંખીને અપહરણ કરી વાળીનાથ ચોકથી કેનાલવાળા રસ્તે થઇને પાટણની સરસ્વતિ નદીનાં પટમાં લઇ ગયા હતા અને ગાડીમાંથી બહાર કાઢી ઊંધો લટકાવીને પાઇપ-ધોકાથી માર મારતાં કહેલ કે, તેનાં બંને હાથ પગ ભાંગી નાંખો કોઇ દિવસ તેનાં પગ ઉપર ઉભો ન થાય તેવી હાલત કરી નાંખો… તેમ કહેતાં તે દરમ્યાન એક વ્યક્તિએ છરીથી અર્જુનનાં પગમાં ઘા કર્યો હતો. જેથી અર્જુનને લોહી આવતાં આ લોકો તેને પાયલપાર્ક પાસે રોડ પર નાંખીજતા રહ્યા હતા.
આ સમયે રોડ પરથી કોઇ આવતું જતું ન હોવાથી ને તેનો મોબાઇલ પણ તોડી નાંખ્યો હોવાથી તે એક કલાક સુધી તે લોહીલુહાણ હાલતમાં રોડ પર પડી રહ્યા હતા. બાદમાં તેનાં ભાઈ અને મિત્ર તેને શોધતા શોધતાં તેની પાસે આવતાં તેને 108 માં પાટણ જનતા હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. તેણે આ બનાવનું કારણ બે દિવસ પૂર્વે પાટણનાં રેલ્વેનાળા પાસે તેનાં મિત્ર આકાશને કોઇ વાહન ટકરાયા બાબતે બોલાચાલી થયેલી તેમાં અર્જુન વચ્ચે છોડાવવા પડ્યો હતો. તેની અદાવત રાખીને તેની ઉપર આ હુમલો કરાયો હતો.
આ બનાવ અંગે યુવાને સાત જણા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી,300, 345, 26,45,324, 54, 295(બી),506(23,147,148, 149 તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.