ખેડૂત માટે

વધુ વરસાદને કારણે કપાસના ઊભા પાકમાં આંતરિક અને બાહ્ય જીંડવાનો સડો અને પેરાવિલ્ટ (નવો સૂકારો) રોગના નિયંત્રણ માટે જરૂરી પગલાં

Rate this post

જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે કપાસના ઊભા પાકમાં આંતરિક અને બાહ્ય જીંડવાનો સડો અને પેરાવિલ્ટ (નવો સૂકારો) રોગના સંકલિત વ્યવસ્થાપન અંગે લેવાના પગલા બાબતે માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં ઉપાયો સૂચવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ, તકેદારીનાં પગલાઓ વિશે.

• ખેડૂતોને ખેતરમાં યોગ્ય ઢાળ આપી પાકના મૂળ વિસ્તારની આજુબાજુ ભરાયેલ વધારાનું પાણી બહાર કાઢવાની સલાહ આપવામાં આવે છે.
• જીંડવાનો સડો (આંતરીક અને બાહ્ય જીંડવાનો સડો) અટકાવવા માટે નાઈટ્રોજનયુકત ખાતરનો વધુ પડતો ઉપયોગ ટાળવો. કળી બેસવાના સમયે ચુસીયા પ્રકારનાં કિટકોની મોજણી કરતાં રહેવું. સાવચેતીનાં પગલાં તરીકે લીલા જીંડવા અવસ્થાએ વાદળછાયું વાતાવરણ હોય તો જીંડવાનાં સડાને અટકાવવા માટે કોપર ઓકસીકલોરાઈડ ૫૦ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨પ ઈસી @ ૧૦ મીલી અથવા કાર્બન્ડાઝીમ ૫૦ વે.પા. @ ડબલ્યુપી@ ૩૦ ૧૦ ગ્રામ ફુગનાશકને ૧૦ લી. પાણીમાં ભેળવીને છંટકાવ કરવો.


• બાહય જીંડવાનાં સડાને રોકવા માટે મેટીરામ પ૫% + પાયરાકલોસ્ટ્રોબીન પ%, ડબલ્યુજી @૨૦ ગ્રામ ૧૦ લી. પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
• પેરાવિલ્ટ/ નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવું. અસરગ્રસ્ત છોડને ઉપાડીને નાશ કરવો, પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે.
• મૂળ વિસ્તારમાં સળિયાથી હવાની અવર-જવર માટે કાણાં પાડવા, અસર પામેલ છોડની ફરતે ૩% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૧% યુરીયાના દ્રાવણ રેડવુ તેમજ ૧ ગ્રામ કોબાલ્ટ ક્લોરાઇડ ૧૦૦ લીટરમાં ઓગાળી દ્રાવણ બનાવી છંટકાવ કરવો. આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતના ૧૨ કલાકમાં જ કરવી. છોડ ઉપર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય ત્યારે પાણી અને પોષકતત્વોની અછત જોવા મળે ત્યારે ૧૯-૧૯-૧૯ (એન.પી.કે.) પાણીમાં દ્રાવ્ય ખાતર ૧૦૦ ગ્રામ + માઇકોમિક્સ ગ્રેડ-૪, ૧૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઓગાળી પાન ઉપર છંટકાવ કરવો. અસરગ્રસ્ત ખેતરમાં ફુગજન્ય રોગો અટકાવવા ફુગનાશક કાર્બેન્ડાઝીમ દવાનુ ૧૦ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પ્રમાણે છોડની ફરતે રેડવુ.

વધુમાં, દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવાનું રહે છે. આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *