રવી સીઝનમાં પાકની જાળવણી કરવા કરો આ દવાનો છંટકાવ.
હાલમાં રવી સીઝનમાં વાદળછાયા હવામાનને કારણે જીરૂ પાકમાં ચરમી/કાળીયો રોગ આવવાની શક્યતા હોવાથી રોગ આવવાની રાહ જોયા વગર વાવણી બાદ 30-35 દિવસે મેન્કોઝેબ દવાનો છંટકાવ કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે. મેન્કોઝેબ 35 ગ્રામ દવા 10 લિટર પાણીમાં 25 મી.લી. દેશી સાબુના સંતુષ્ટ દ્રાવણ સાથે મેળવી ઝાકળ ઉડી ગયા પછી છોડ સંપૂર્ણ ભીંજાય તેમ છંટકાવ કરવો તેમજ 10 દિવસના અંતરે મેન્કોઝેબ દવાના 3-4 છંટકાવ અવશ્ય કરવા.
જીરૂ પાકમાં ભૂકી છારા (છાસીયા) રોગના નિયંત્રણ માટે હેક્ટરે 25 કિ.ગ્રા. ગંધક પાવડર વહેલી સવારે ઝાકળ ઉડ્યા પહેલાં જમીનને બદલે દરેક છોડ પર સરખી રીતે પડે તેમ ડસ્ટરથી છાંટવો અથવા 0.2 ટકા વે.પા.(પાણીમાં દ્રાવ્ય) 10 લિટર પાણીમાં 25 ગ્રામ પ્રમાણે ઝાકળ ઉડી ગયા બાદ છાંટવો. વરિયાળી પાકમાં ચરમીના રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થયે તરત જ મેન્કોઝેબ દવા 25 ગ્રામ 10 લિટર પાણીમાં ઉમેરી 25 મિ.લી સાબુના સંતૃપ્ત દ્રાવણ મિશ્રણ કરીને છાંટવી તેમજ 10 દિવસના અંતરે અન્ય બે છંટકાવ કરવો. વરિયાળી પાકમાં ચરમી અને સાકરીયા રોગના નિયંત્રણ માટે પિયત પાણીનું નિયમન કરવું અને નાઈટ્રોજન ખાતર ભલામણ થયેલ માત્રામાં જ આપવું.
જીરૂ,વરિયાળી સહિત મસાલાના તમામ પાકો માટે મોલોમશી/થ્રીપ્સ/તડતડીયાના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ 10-15 મિલી/10 લિટર પાણીમાં. જેવી કે મોનોક્રોટોફોસ ડાયમિથોએટ, મિથાઈલ-ઓ-ડીમેટોન છંટકાવ કરવા ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે. રાઈ પાકમાં મોલોમશીના નિયંત્રણ માટે ફોસ્ફામીડોન 0.04% 4 મિ.લી. દવા અથવા રોગર 0.03% 10 મિ.લી.દવા અથવા મોનોક્રોટોફોસ 0.05% 12.5 મિ.લી દવા પૈકી કોઈ એક શોષક પ્રકારની જંતુનાશક દવા 10 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. અથવા મીથાઈલ પેરાથીઓન (ફોલીડોલ) 2% પાવડર અથવા ઈકાલક્ષ 1.5% પાવડર હેક્ટર 20 થી 25 કિલો ગ્રામ મુજબ છંટકાવ કરવો.
વરસાદી માહોલમાં પાકની કાપણી થયેલ હોય તો સુરક્ષીત જગ્યાએ રાખવો અને તાડપત્રી ઢાંકવી તથા ખેતરમાં ઉભા પાકમાં પાણી ભરાય તો તુરંત જ નિકાલ કરવો અને પિયત આપવાનું ટાળવું તેમજ યુરીયા ખાતર આપવાનું ટાળવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની અખબારીયાદીમાં જણાવવામાં આવ્યું છે.