ખેડૂત માટે

સિદ્ધપુર તાલુકાના સેવાલણી ગામના બાબુભાઈ દેસાઈએ અપનાવી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી – વાર્ષિક રૂ.૧,૧૫,૦૦૦ નો મેળવ્યો ચોખ્ખો નફો

Rate this post

Natural Farming Siddhapur : ગુજરાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. પરિણામે ધીરે-ધીરે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જેમ-જેમ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે તેમ તેમ તેઓને વધુને વધુને લાભ મળી રહ્યો છે. જેથી અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે.

પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો તાલીમ અને માહિતી મેળવી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. દેશી ગાય આધારિત ખેતી અપનાવી તેમજ રાસાયણિક ખાતરનો વપરાશ ત્યજી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવતાં પાકમાં વૃદ્ધિ સાથે આર્થિક સમૃદ્ધિ આવી છે. તો જમીનની ફળદ્રુપતામાં વધારો થયો છે.

સિધ્ધપુર તાલુકાના સેવાલણી ગામના બાબુભાઈ વરવાભાઈ દેસાઈ છેલ્લા ત્રીસ વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. છેલ્લા ત્રણ વર્ષથી બાબુભાઈ દેસાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જેમાં તેઓએ કપાસની સાથે શાકભાજી (દેશી મરચાં)ના આંતરપાકમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમજ પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામોનો ઉપયોગ કરી ઉત્પાદન વૃદ્ધિ સાથે આર્થિક લાભ મેળવ્યો છે. જેમાં તેમણે કપાસમાં વાર્ષિક ૨૪,૦૦૦ કરતાં વધુ ચોખ્ખો નફો અને શાકભાજીમાં ૧૧૫,૦૦૦ કરતાં વધુનો ચોખ્ખો નફો મેળવ્યો છે.

પ્રાકૃતિક ખેતીની સફળતા અંગે વાત કરતાં બાબુભાઈ દેસાઈ જણાવે છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આત્મા યોજનામાં જોડાયા બાદ હું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છુ. આત્મા યોજના થકી મળતી તાલીમ તેમજ પ્રેરણા પ્રવાસમાં મળતી માહિતીના આધારે તેમણે ગત વર્ષે ખરીફ ઋતુમાં કપાસની સાથે દેસી મરચાં આંતરપાક તરીકે વાવ્યાં હતા. વાવણી પહેલા બીજને બીજામૃતનો પટ આપુ છું, જેના કારણે પાકને જમીન જન્ય રોગોથી બચાવી શકાય છે. ૨૦ દિવસે પાકમાં જીવામૃતનો છંટકાવ કરું છુ. તેમજ જીવામૃતને પાણીની સાથે જવા દઉં છુ. રોગ અને જીવાતના નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિયસ્ત્ર તેમજ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરતો રહું છું. તેમજ જમીન જન્ય ફુગ અને જીવાત થી પાકને રક્ષણ આપવા માટે હું ગાયના દૂધમાંથી બનેલી જૂની પડી રહેલી ખાટી છાસનો ઉપયોગ પણ પાણી સાથે કરું છુ.

બાબુભાઈ દેસાઈ આગળ જણાવે છે કે, રાસાયણિક ખાતરની સાપેક્ષતામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીમાં ઘણો ફાયદો રહેલો છે. પહેલા તેઓ કપાસની ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા. વર્ષ ૨૦૨૧-૨૨ માં કપાસમાં રાસાયણિક ખેતી પદ્ધતિ થી ૩૨,૧૮૫ આવકની સામે ૮૦૦૦ ખર્ચ થયો હતો અને ૨૪,૧૮૫ ચોખ્ખો નફો થયો હતો.જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩ માં કપાસમાં પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવતાં રૂ.૩૫,૦૧૫ ની આવક સામે રૂ.૭૫૦૦ નો ખર્ચ થયો અને ખર્ચમાં રૂપિયા ૫૦૦ નો ઘટાડો થયો જ્યારે ચોખ્ખો નફો વધીને રૂપિયા ૨૭,૫૧૫ થયો. શાકભાજીની વાત કરીએ તો રાસાયણિક ખેતી પદ્ધતિથી વર્ષ ૨૦૨૧-૨૨ માં રૂ.૪૬,૩૦૦ ના ખર્ચ સામે રૂ. ૯૮,૭૦૦ નો ચોખ્ખો નફો થયો હતો. જેની સાપેક્ષ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઘટીને રૂ.૨૮૫૫૦ થયો હતો. જ્યારે ચોખ્ખો નફો વધીને રૂ.૧,૧૫,૪૫૦ થયો હતો.

પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન વૃદ્ધિ, આવક વૃદ્ધિ મળે છે. તેમજ ઝેરમુક્ત અન્ન ઉત્પન્ન થવાના લીધે લોકોનું સ્વાસ્થય તંદુરસ્તી સુધરે છે. બાબુભાઈ દેસાઈ નું અનુકરણ કરતાં સિધ્ધપુર તાલુકામાં અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *