‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત પાટણ જિલ્લાના વિવિધ ગામોમાં સ્વચ્છતાનો ધમધમાટ
Swachhata Hi Seva : સ્વચ્છતા એજ સેવા અભિયાન હેઠળ પાટણ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા રોડ રસ્તાઓ, જાહેર સ્થળો, અને ધાર્મિક સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે. આગામી ૩૧ ઓક્ટોબર સુધી જિલ્લામાં સફાઈ અભિયાન સાથે લોકજાગૃતિની વિવિધ પ્રવૃતિઓ દ્વારા સ્વચ્છતાને સંસ્કાર અને સ્વભાવમાં લાવવા લોકોને સંદેશ આપવામાં આવશે.
પાટણ જિલ્લામાં સ્વચ્છતા અભિયાન માટે જિલ્લા વહિવટી તંત્ર સજજ બન્યું છે. લોક ભાગીદારી સાથે સ્વચ્છતાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. તંત્ર સાથે સ્થાનિક લોકો પણ શ્રમ યોગદાન આપી સ્વચ્છતા અભિયાનમાં સહ ભાગીદાર બન્યા છે. ગામે ગામ સ્વચ્છતાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
જેના ભાગરૂપે જિલ્લામાં સરસ્વતી તાલુકાના ભીલવણ, ગુલવાસણા, વાગડોદ, ખલીપુર, જાળેશ્વર- પાલડી, સમી તાલુકાના વેડ, ગાજદીનપૂરા, સિદ્ધપુર તાલુકાના દેથળી અને ચાણસ્મા તાલુકાના છમીછા, ઝીલવાણ, રાધનપુર સાંતલપુર શંખેશ્વર તાલુકાના દહેગામ, ઝજામ, મુજપુર વગેરે સ્થળોએ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જાહેર માર્ગો, રોડ રસ્તો, ધાર્મિક દેવસ્થાનો, સરકારી કચેરીઓ સહિતના સ્થળોની સફાઈ કરી ગામ શહેરને ચોખ્ખા ચણાક બનાવવા તંત્ર સાથે લોકો પણ સંકલ્પબદ્ધ થયા છે