ગુજરાતપાટણસિદ્ધપુર

પાટણ: સિદ્ધપુર ની મહિલાએ બે ટકા ની જગ્યાએ વીસ ટકા વ્યાજ ચૂકવ્યું છતાં ઉઘરાણી બાકી છે તેમ કહી વ્યાજખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી

Rate this post

સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અનુસાર ઊંચા ટકા વ્યાજ વસૂલવા છતાં મોટી રકમ બાકી બોલાવી ઉઘરાણી કરી ધમકી આપવા અંગે સિદ્ધપુરની મહિલા દ્વારા ચાર શખ્સો સામે અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સિધ્ધપુર શહેરના બિંદુ સરોવર ત્રણ દરવાજા પાસે કુમાર શાળા નંબર 4 સામે રહીને છૂટક વેપાર કરતાં ચેનીબેન અગરાજી ઠાકોર દ્વારા આ ફરિયાદો નોંધાઈ છે. જેમાં સિદ્ધપુર તાલુકાના દેથળી ગામના અરવિંદભાઈ નથુભાઈ બારોટ પાસેથી સાડીઓનો વ્યાપાર કરવા રૂ.50,000 ઉછીના લીધા હતા અને તેનું બે ટકા વ્યાજ નક્કી કરાયું હતું પરંતુ તેના બદલે તેમણે 20% પ્રમાણે વ્યાજ ગણી રૂપિયા 2 લાખ વસૂલ કરેલ હોવા છતાં હજુ રૂ.અઢી લાખ લેવાના નીકળે છે તેમ કહીં ધમકી આપી મૂડી કરતાં વધુ વ્યાજ વસૂલતા તેમની સામે ફરિયાદ દાખલ કરી છે.

સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના પટેલ ચેલાભાઈ શંકરભાઈ પાસેથી સાડીના ધંધા માટે બે ટકાના વ્યાજે રૂ. 50000 લીધા હતા જેમાં 20 ટકા વ્યાજ ગણી ટુકડે ટુકડે રૂ. 3 લાખ વસૂલવા છતાં હજુ રૂ.5 લાખ બાકી કાઢીને ધમકી આપવામાં આવી રહી છે. આ જ રીતે સિધ્ધપુરના ખોડીયારપુરામાં રહેતા મધુબેન ઉદાજી ઠાકોર પાસેથી 2%ના વ્યાજે રૂ. 50 હજાર લીધા હતા તેમાં 10% વ્યાજ પ્રમાણે ટુકડે ટુકડે રૂ.દોઢ લાખ વસૂલ કર્યા હોવા છતાં હજુ રૂ.1.40 લાખ બાકી બોલાવ્યાની ફરિયાદ નોંધાવી છે.

જ્યારે મહેસાણા ખાતે રહેતા રમેશભાઈ દેસાઈ પાસેથી બે ટકાના વ્યાજે રૂપિયા એક લાખ લીધા હતા જેમાં 20% વ્યાજ સાથે રૂ. 2 લાખ વસૂલ કર્યા હોવા છતાં હજુ રૂપિયા 60,000 લેવાના નીકળે છે તેમ કહી ઉઘરાણી કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ચારેય ફરિયાદોમાં સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ વી.એ. લીમ્બાચીયા તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *