પાટણના વેપારીનું ઉઘરાણીથી પરત આવતાં સમયે અઘાર પાસે હાર્ટ એટેકથી નિપજ્યું મોત
પાટણ શહેરના એક વેપારી શનિવારે રાત્રે ઉઘરાણીથી પરત આવતા અઘાર નજીક હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. આ અંગે મૃતકના ભાઈએ સરસ્વતી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો. તેઓના નિધનથી જૈન સમાજમાં આઘાતની લાગણી ફેલાઈ હતી.
પાટણ શહેરમાં કનાસાનો પાડા ખાતે રહેતા નીતિનકુમાર વાડીલાલ શાહ (ઉં.વ. 55) કાપડના વેપારી હતા. તેઓ કાપડની ઉઘરાણી કરવા બાઈક લઇ શનિવારે સરસ્વતી તાલુકાના કાનોસણ ગામે ગયા હતા. ત્યાંથી પરત આવી રહ્યા હતા તે વખતે રાતના આઠેક વાગ્યાના અરસામાં અઘાર નજીક ગોગા મહારાજના મંદિરની સામે હાઇવે ઉપર બેભાન હાલતમાં પડ્યા હતા.
આ પણ વાંચો : –
પાટણ: હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કર પાછું પાડતાં પાછળ સૂઈ રહેલાં ડમ્પર ચાલકના માથા પર ટાયર ફરી વળતાં મોત
ત્યાંથી નીકળતા રાહદારીએ 108ની મદદથી તેમને પાટણ જનતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પણ સારવાર મળે તે પહેલા તેમનું પ્રાણ પંખીડું ઉડી ગયું હતું. આ અંગે મૃતકના ભાઈએ સરસ્વતી પોલીસ મથકે હૃદયની તકલીફ હોય અને હાર્ટ એટેકના હુમલાથી મોતનો ગુનો નોંધાયો હતો. તેની તપાસ અધિકારી પીએસઆઇ એમ.જે.વાઘેલા એ હાથ ધરી હતી.