ગરબા ક્વિન કિંજલ દવેની સગાઈ તૂટી: આ કારણોસર આવી તિરાડ
ગુજરાતભરમાં ‘ચાર-ચાર બંગડીવાળી’ ગીતથી ફેમસ થયેલ કિંજલ દવેની સગાઇને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના મધુર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને મનીષ જોષીના પુત્ર પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે એકાએક તેઓની સગાઇ તૂટવાના સમાચાર વાયુવેગે પ્રસરાઇ રહ્યાં છે.
એવું કહેવાય છે કે, કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી સગાઇ કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે.
તમને જણાવી દઇએ કે, કિંજલ દવે કે જેનો જન્મ 20 નવેમ્બર 1999માં ઉત્તર ગુજરાતના પાટણના નાનકડા એવા ગામ જેસંગપરાના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જેને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તે જ્યારે સ્કૂલમાં ભણતી ત્યારે પણ રજા લઇને ગરબા, લોકડાયરા જેવાં કાર્યક્રમોમાં હાજરી આપવા જતી. આ કિંજલ દવેની લગભગ પાંચેક વર્ષ અગાઉ પવન જોષી નામના બાળપણના મિત્ર સાથે સગાઇ કરવામાં આવી હતી. જે હવે તૂટી જતા આ સમાચાર ચારે બાજુ વાયવેગે પ્રસરી ગયા છે. વધુમાં સગાઇ તૂટી જતા કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ હટાવી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.