સિદ્ધપુરના રમેશભાઈ માટે વરીયાળીની હરિયાળી ખેતી બની આશીર્વાદ સમાન
પ્રાકૃતિક કૃષિ એટલે કૃષિના નવા યુગનો પ્રારંભ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને પગલે દેશભરમાં પ્રાકૃતિક કૃષિનું વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. પરિણામે ધીરે-ધીરે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જેમ-જેમ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા છે તેમ તેમ તેઓને વધુને વધુને લાભ પણ મળી રહ્યો છે. જેથી અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે.
પાટણ જિલ્લો પણ રાજ્યની પ્રાકૃતિક કૃષિની આ મુહિમમાં સહભાગી બની રહ્યો છે. ત્યારે આજે વાત કરવી છે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામના વતની રમેશભાઈ કેશવલાલ પટેલની. રમેશભાઈને વરિયાળીની પ્રાકૃતિક ખેતી કરીને આ દિશામાં આગળ વધવાની પ્રેરણા મળી છે. છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા છે. તેઓ પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા જણાવે છે કે ખરેખર રાસાયણિક ખેતી કરીને આપણે સૌ ધરતી માતા સાથે અન્યાય જ કરી રહ્યા છીએ. રાસાયણિક ખેતીથી આપણી જમીનને થતુ નુકસાન આપણે કલ્પના પણ નથી કરી શકતા. મને સાચા સમય પર પ્રાકૃતિક ખેતી વિશે સમજ પડી અને મે મારી જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવાનું ચાલુ કર્યું. જેથી આજે મારી જમીનની ફળદ્રુપતામાં ઘણો વધારો થયો છે.
વધુમાં રમેશભાઈ જણાવે છે કે સૌ પ્રથમ મે અડાલજમાં આયોજીત રાજ્યપાલશ્રીની એક તાલીમ શિબીરમાં ભાગ લીધો હતો. ત્યારે મને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ વિશે વધુ જાણવા મળ્યું હતુ. ત્યારથી મે નક્કી કરી લીધુ કે મારી જમીન પર હું હવે પ્રાકૃતિક ખેતી જ કરીશ. મે પહેલા મારી 1 એકર જમીનમાં વરિયાળીની પ્રાકૃતિક ખેતી કરી. વરિયાળીની પ્રાકૃતિક ખેતી કરવાથી મને ખરેખર ઘણો ફાયદો થયો. આ પાક માટે મે ફક્ત રૂ.2500નો જ ખર્ચો કર્યો હતો અને મને રૂ.35000 ની આવક થઈ. આ જોઈને મને અને મારા પરિવારને પ્રાકૃતિક ખેતી પર વિશ્વાસ બેઠો. ત્યારબાદ મે અન્ય પાક જેવા કે રાઈ, અળસી, ઘઉં, દિવેલા વગેરે પણ પ્રાકૃતિક ખેતી દ્વારા જ કર્યા. ધીરે ધીરે મને બજારભાવ કરતા 50 ટકા જેટલા ઉંચા ભાવ પ્રાકૃતિક ખેતીના પાકો મારફતે મળવા લાગ્યા. બસ, ત્યારથી આજે 5 વર્ષ થઈ ગયા હું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ દ્વારા જ મારા ખેતરમાં અન્ય પાકોની વાવણી કરુ છુ.
રમેશભાઈ દેશી ગાયનાં છાણ-મુત્રથી જીવામૃત ખાતર, ધન જીવામૃત અને પિયત આપી તેમજ ચૂસયા પ્રકારની જીવાતો તથા ઇયળો માટે રાસાણીક દવાના ઉપયોગને બદલે બ્રહ્માસ્ત્ર, નીમાસ્ત્ર જેવી પ્રાકૃતિક દવાઓ દ્રારા નિયંત્રણ કરે છે. રમેશભાઈ કહે છે કે ખરેખર રાજ્ય સરકાર જે રીતે પ્રાકૃતિક કૃષિની મુહિમ ચલાવી રહી છે તે બિરદાવવા લાયક છે. કારણે કે આપણે સૌએ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને ધરતી માને નુકસાન પહોચાડ્યું છે. હવે સમય આવી ગયો છે જમીનને ફળદ્રુપ કરવાનો. આવો સૌ ખેડૂતો સાથે મળીને રાસાયણિક ખેતીને મુકીને પ્રાકૃતિક ખેતીને અપનાવીએ.