પાટણ: રાધનપુરના મોટીપીપળી પાસે અકસ્માતમાં ફરાર જીપ ચાલક ઝડપાયો, અકસ્માતમાં 7 લોકોનાં થયા મોત
પાટણ જિલ્લાના રાધનપુરના મોટીપીપળી ગામ નજીક ઓવરલોડ મુસાફરો ભરેલી પૂરઝડપે જઈ રહેલી જીપનું ટાયર ફાટતાં પડેલી ટ્રકમાં ઘુસી જતાં સાત લોકોના મોત થયા હતાં અને 11 મુસાફર ઘાયલ થયા હતાં. આ અકસ્માત મામલે ઘાયલ મુસાફરે જીપ અને ટ્રકના ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ફરાર જીપચાલકને ઝડપી લેવાયો હતો.
અકસ્માતની ઘટનામાં કમાન્ડો જીપ ચાલક યુસુફશા રમઝાનશા ફકીર રહે.ગોતરકા,રાધનપુર ફરાર હતો તેને ઝડપી પાડી તેને નાની મોટી ઇજાઓ હોવાથી તેની સારવાર કરાવી તેની અટક કરી કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારે રાધનપુર વિસ્તારમાં વધુ પડતા મુસાફરો ભરીને વહન કરતા પેસેન્જર વાહન ચાલકો સામે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. અને હાઇવે ઉપર સતત પોલીસ પેટ્રોલિંગ રહેશે. કોઈપણ વાહન પાછળ કોઈ પેસેન્જર ટીગાયેલ હાલતમાં કે ખીચોખીચ ભરેલા ઝડપાશે તો તેની સામે કાર્યવાહી કરાશે.
રાધનપુર અકસ્માતની ઘટના:
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને લઈને પસાર થતી જીપનું ટાયર ફાટતાં રોડ પર ઊભેલી ટ્રક સાથે જીપ અથડાતાં એમાં સવાર સાત લોકોનાં મોત નીપજ્યા હતા, તો 11 લોકોને ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રાધનપુર કચ્છ હાઈવે પર મોટી પીપળી ગામ પાસે એક જીપ રાજસ્થાનના મજૂરોને ભરી જઈ રહી હતી, તે સમયે અચાનક જીપનું ટાયર ફાટ્યું અને જીપ ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રસ્તા પર ઉભી રહેલી ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. જીપની સ્પીડ એટલી જબરદસ્ત હતી કે, જીપના આગળના ભાગના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. મેઈન હાઈવે પર અકસ્માત સર્જાતા વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અકસ્માતની જાણ પોલીસને થતા ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સ્થાનિકોની મદદથી જીપમાં સવાર પેસેન્જરોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી. આ અકસ્માતમાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 11થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થતા તેમને રાધનપુર તથા ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.