પાટણ: સિધ્ધપુરના બિલીયા ગામના મહિલા સરપંચે હોદ્દા નો દુરૂપયોગ કરતાં કરાયા સસ્પેન્ડ
પાટણ જિલ્લાના સિદ્ધપુરની બિલીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચને પોતાના હોદાનો દુરૂપયોગ કરવા બદલ સરપંચ પદ ગુમાવવાનો વારો આવ્યો છે. સરપંચ તરીકે નાણાકીય ગેરરીતિ અને અનિયમિતતા બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચને તેમના હોદા પરથી દૂર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
સિદ્ધપુરની બિલીયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સંગીતાબેન વિજયકુમાર પટેલ સામે દિલીપકુમાર લીલાચંદ પટેલ દ્વારા અરજી કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, બિલીયા ગામના મહિલા સરપંચ દ્વારા વિકાસ કામોના ચૂકવણામાં મનમાની ચલાવેલ છે. દિલીપકુમાર પટેલ પોતે લેબર કોન્ટ્રાક્ટર હોય અને પોતે કરેલા કામોના ચૂકવણા અન્યને કરી ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. દિલીપ પટેલની અરજી બાદ સરપંચ સામે તપાસ કરવા તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં કુલ અલગ અલગ ત્રણ વિકાસ કામોના 1,29,783 રૂપિયા દિલીપ પટેલના બદલે વિષ્ણુ પટેલને ચૂકવી દીધા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મહિલા સરપંચનો શો કોઝ નોટિસ ફટાકારાતા તેમના તરફથી આ અરજી રાજકીય રાગદ્વેષના કારણે કરાઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
DDOએ મહિલા સરપંચને હોદા પરથી દૂર કરવાનો આદેશ કર્યો
બિલીયા ગામના મહિલા સરપંચ સંગીતાબેન પટેલ દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન હોદાનો દુરૂપયોગ કરી નાણાકીય ગેરરીતિ અને અનિયમિતતા બદલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) અન્વયે હોદા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.