રાધનપુરમાં મહિલાએ ઉધારમાં સામાન લેતાં દુકાનદારે ઉઘરાણી કરી પતિને મારમાર્યો
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામમાં રહેતા પરિવારની મહિલા ગલ્લા પરથી ઉધાર સામાન લાવેલી, જેના પૈસાની ઉઘરાણી બાબતે ગલ્લા ધારક અને તેના પરિવારે મહિલાના પતિ પર હીચકારો હુમલો કરતા મહિલાના પતિને સારવાર અર્થે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટનાની મળતી માહિતી મુજબ પેદાશપુરા ગામે રહેતા ઠાકોર ભરતભાઈ પોપટભાઈ મજુરીકામ અર્થે સામાગામે ગયા હતા. જે સાંજે મજૂરી કામ પતાવી ગામમાં પરત આવતા હતા તે દરમિયાન ગામના નિચાડા ભાગે આવેલ ગલ્લા પાસે પહોંચ્યા ત્યારે ગલ્લા ધારક દ્વારા જણાવવામાં આવેલ કે તમારી પત્ની ઉધારમાં સામાન લઈ ગઇ છે જેના બાકી નીકળતા પૈસા આપ ત્યારે મજૂરી કામ પતાવી આવતા ભરતભાઈએ જણાવેલ કે હું બે દિવસમાં તમોને પૈસા ચૂકવી દઈશ.
આ સાંભળી એકદમ ઉસ્કેરાઈ ગયેલા ગલ્લા ધારકે ગાળો બોલતા ભરતભાઈ દ્વારા ગાળો બોલવાની ના પાડતા ગલ્લામાં પડેલી લોખંડની ટામી કાઢી ભરતભાઈ ઉપર હુમલો કર્યો હતો. તેમના ભાઈ વિનોદભાઈ છોડાવવા માટે આવ્યા ત્યારે તેમના ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો.ગામ વચ્ચે હોબાળો થતા આજુબાજુ માંથી દોડી આવેલા લોકો અને ભરતભાઈના બીજા ભાઈ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો.
હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ ભરતભાઈ ઠાકોરને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અને લોખંડની ટામી વડે હુમલો કરતાં ભરતભાઈ સોનાભાઈ ઠાકોર, નવઘણભાઈ સોનાભાઈ ઠાકોર, હીરાભાઈ રતાભાઇ ઠાકોર અને સોનાભાઈ રઘુનાથભાઈ ઠાકોર (તમામ રહે. પેદાશપુરા) સામે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.