વ્યાજખોરોને ડામવા માટે જનતાનો સહકાર પણ જરૂરી : IG જે.આર.મોથલિયા
‘’મને ભગવાને 50 ટકા મોકલ્યો હતો અને આ વ્યાજખોરોએ મને 30 ટકા કરી દીધો છે.વ્યાજખોરોએ મને માર મારીને મારા હાથ-પગ ભાંગી નાખ્યા છે. આજે મારા હાથ-પગ કામ નથી કરી રહ્યા. મને અને મારા પરિવારે સતત એક ડરમાં જીવવું પડે છે.’’ આ શબ્દો છે વ્યાજખોરોથી પીડીત વ્યક્તિના. આ શબ્દો સાંભળીને આજરોજ આયોજીત લોકદરબારમાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. નાગરિકની રજુઆત સાંભળીને જિલ્લા પોલસ વડાશ્રી વિજય પટેલે તુરંત જ ભોગ બનનાર વ્યક્તિને આધાર પુરવાઓ રજુ કરવા માટે કહ્યું અને તેમને પરેશાન કરતા વ્યાજખોરો વિરુદ્ધ પગલા લેવાનું વચન આપ્યું.
રાજ્ય સરકારશ્રીની સુચનાથી રાજ્યના દરેક જિલ્લામાં લોકદરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના કન્વેશન હોલ ખાતે ગુજરાત નાણા ધીરનાર અધિનિયમ-2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોકદરબાર કાર્યકર્મનું આયોજન કરવામાં આવ્યું હતુ. રાજ્યમાં વધી રહેલી વ્યાજખોરીને ડામવા માટે આયોજીત આજના લોકદરબારમાં જાહેર જનતાએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા, તેમજ વ્યાજખોરીની આ સામાજીક દૂષણરૂપી પ્રવૃતિને નાથવા માટે યોગ્ય સુચનો પણ કર્યા હતા. જે વ્યક્તિ જાહેરમાં પ્રશ્નો રજુ ના કરી શકે તેવા લોકો ખાનગીમાં પોલીસ સ્ટેશન જઈને પ્રશ્નો રજુ કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
લોકદરબારના અધ્યક્ષ એવા પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલિયાએ પાટણની જનતાને અપીલ કરતા જણાવ્યું હતુ કે, વ્યાજખોરોને ડામવા માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવશે પરંતુ સાથે-સાથે જનતાએ આ સામાજીક દુષણને ડામવા માટે પોલીસને સાથ સહકાર આપવાની જરૂરત છે. જનતા ખુદ આગળ આવે અને વ્યાજખોરો વિરુદ્ધ અવાજ ઉઠાવે તો અમે જનતાનો અવાજ બનીશુ. વ્યાજખોરીને ડામવા માટે પાટણ જિલ્લા પોલીસ દ્વારા લોકદરબાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજના કાર્યક્રમમાં જનતાએ જે પ્રશ્વો રજુ કર્યા છે તે પ્રશ્નો પર ચોક્કસપણે કામ કરવામાં આવશે. તદઉપરાંત આજના લોકદરબારમાં લોકોએ જે ચુચનો કર્યા છે તે સુચનો પર પણ ધ્યાન આપવામાં આવશે. હું રેન્જ આઈ.જી તરીકે સર્વેને આશ્વાસન આપુ છું કે તમામ પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવામાં આવશે. પાટણની જનતાને અપીલ છે કે, આપની પાસેથી જો વધારે વ્યાજ લેવાય છે તો તુરંત જ આધાર પુરાવાઓ સાથે પોલીસને રજુઆત કરો.
લોકદરબારમાં જાહેર જનતાને સંબોધન કરતા જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલે જણાવ્યું કે,ગુ જરાત સરકારશ્રીની સુચનાથી તમામ જિલ્લામાં શરૂ થયેલ લોકદરબાર પાટણ જિલ્લામાં પણ શરૂ થયેલ છે. લોકદરબાર અંતર્ગત અમે લોકોની વચ્ચે જઈશુ અને તેઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશુ. લોકદરબાર અંતર્ગત લોકોને કાયદાકીય સલાહ આપવાથી લઈને તેઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓથી પણ વાકેફ કરવામાં આવશે. વ્યાજખોરી એક સામાજીક દુષણ છે અને તેને ડામવા માટે પોલીસ સતત પ્રયત્નશીલ છે. જનતા ફરિયાદ લઈને પોલીસ પાસે આવે છે,પરંતુ આજે અમે ખુદ આપની પાસે આવ્યા છીએ, આપના પ્રશ્નો સાંભળવા માટે. હું દરેક લોકોને અપીલ કરું છુ કે,કોઈ પણ જાતની સમસ્યા હોય, તો તુરંત જ કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના પોલીસનો સંપર્ક કરો જેથી પોલીસ આપની મદદ કરી શકે.
લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલિયા, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, પાટણ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, જિલ્લા પોલીસ મથકનાં પોલીસ ઇન્સપેક્ટરશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ અધિકારીશ્રી વિજય ચૌધરી, બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક સિનિયર મેનેજરશ્રી સુધીર સીતારમન તેમજ વિવિધ પોલીસ અધિકારીશ્રીઓ, પોલીસ સ્ટાફ અને બહોળી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ