સાંતલપુરના પાટણકા ગામની સીમમાં ચરી ને પરત ફરતા 35 ઘેટાઓના મોત નિપજ્યા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પાટણકા ગામની સીમમાં સાગમટે 35 અબોલા પશુઓના મોતની ઘટના સામે આવી છે. ખોરાકી ઝેરથી ઘેટાઓના એક સાથે મૃત્યુ થતાં પશુ ચિકિત્સકો અને સ્થાનીક તંત્ર દોડતું થઇ ગયું છે.
આ અંગે મળતી માહિતી મુજબ સાંતલપુર તાલુકાના પાટણકા ગામે ગામની સીમના ખેતરમાં ઘાસચારો ચરીને પરત ફરી રહેલા ઘેટાઓ પૈકી 35 જેટલા ઘેટાઓને ખોરાકી ઝેરની અસર થવાથી તેઓનું ગામના પાદરમાં જ મોત નિપજ્યુ હતું.
એક સાથે 35 જેટલા ઘેટાઓના મોત થવાથી માલધારી પશુપાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા…તો આ બનાવને પગલે તલાટી સહિત પશુચિકિત્સકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને ઘેટાઓના મૃત્યુનું કારણ જાણવાની તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં માલધારી પશુપાલકોએ પોતાના અબોલા પશુ અકાળે ગુમાવતા તેઓને મોટુ નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.