રાધનપુર-ભાભર હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, કારના આગળના ભાગનો કુચ્ચો બોલી ગયો
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર બેફામ ગતિએ દોડતા વાહન ચાલકો દ્વારા અવાર-નવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાતી હોય છે ત્યારે આવો જ એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાટણ જિલ્લાના રાધનપુર-ભાભર રોડ પર ટ્રક અને ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.
આ માર્ગ અકસ્માતના બનાવની મળતી માહિતી મુજબ શનિવારના રોજ રાધનપુર ભાભર માર્ગ પર આવેલા ઠાકોર સમાજની હોસ્ટેલ પાસે થી પસાર થઈ રહેલા ટ્રક અને કાર જોરદાર અથડાઈ હતી. જેથી અકસ્માત સર્જાતા કાર ચાલક સહિત 2 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે 108 મારફતે લઈ જવામાં આવ્યાં હતા.
ઘાયલ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યાં હતા. રાધનપુર ભાભર રોડ પર સર્જાયેલ અકસ્માતની ઘટનાને લઇ હાઇવે માર્ગ પર વાહનોના ચક્કાજામ થતાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ પોલીસને થતા ઘટના સ્થળે આવી અકસ્માત ગ્રસ્ત બંને વાહનોને માર્ગ પરથી ખસેડી ટ્રાફીક હળવો કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.