પાટણની સિદ્ધપુર ચોકડી પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રકનું ટાયર યુવકના પગ ઉપર ફરી વળ્યું
પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ પર ગુરુવારે ટર્બો ટ્રક અને બાઇકચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઇક પર સવાર બે યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને ખાનગી વાહન મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ પાટણ તાલુકાના બોરસણ ગામે રહેતા અર્પીત મનુલાલ પટેલ અને વિપુલ શીંગાજી ઠાકોર બાઇક લઇને સિધ્ધપુર ચાર રસ્તા નજીકથી પસાર થઇ રહયા હતા તે દરમ્યાન પાટણ-ડીસા હાઇવે માર્ગ પરથી પુરઝડપે આવી રહેલ ટર્બોચાલકે બાઇક સવારને ટકકર મારતા બાઇક ચાલક ટર્બાના વ્હીલ નીચે આવી ગયો હતો અને ટર્બાનું એક ટાયર યુવકના પગ પર ફરી વળતા પગના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. જયારે પાછળ બેઠેલ યુવાનને હાથ-પગ તેમજ માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.
આ બનાવ ને પગલે લોકો ઘટના સ્થળે એકત્રિત થઇ ગયા હતા. બે ઇજાગ્રસ્તો પૈકી એક યુવાનને પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયારે ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો હતો.