ઇન્ડિયા

બદ્રીનાથના રસ્તે આખેઆખો પહાડ નીચે આવ્યો – ભયાનક ભૂસ્ખલનનું દૃશ્ય કેમેરામાં કેદ

Rate this post

Landslide In Uttarakhand : ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે. હલ્દવાની, બનબસા, ટનકપુર, સિતારગંજ અને ખટીમામાં હાલત સૌથી ખરાબ છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂસ્ખલનના કાટમાળને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 200થી વધુ ગ્રામીણ રસ્તાઓ હજુ પણ બંધ છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાલગંગા લંગસી ટનલ પર પહાડનો મોટો ભાગ પડતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો.

ઉત્તરાખંડના ચમોલીમાં પાતાળ ગંગા વિસ્તારમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની છે. જેના કારણે જોશીમઠ-બદ્રીનાથ હાઈવે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. જો કે, હજુ સુધી કોઈ કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી.

જ્યારે આસામમાં બ્રહ્મપુત્રા અને એની ઉપનદીઓનો જળસ્તર ભયજનક સ્તરથી નીચે આવી ગયો છે. રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને લગભગ 17.17 લાખ થઈ ગઈ છે. જોકે મંગળવારે 7 લોકોનાં મોત થયાં હતાં. પૂર અને વરસાદમાં અત્યારસુધીમાં 92 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પહેલા મંગળવારે (9 જુલાઈ) જોશીમઠમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી. ભૂસ્ખલનથી મોટા ભાગનો કાટમાળ ખીણમાં પડ્યો હતો. બાદમાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બને છે. ઉત્તરાખંડમાં વરસાદ આફત બન્યો છે. અહીં ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન થવાને કારણે સમસ્યા સર્જાઈ રહી છે. હાઈવે પર ટ્રાફિક જામના કારણે વાહનવ્યવહાર ખોરવાય છે. આ સ્થિતિમાં ચારધામ યાત્રાએ જનારા સહિત સ્થાનિક લોકોની અવરજવરમાં મુશ્કેલી ઉભી થઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *