પાટણ: રાધનપુર હાઇવે ઉપર ટ્રેકટર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકનું નીપજ્યું મોત
રાધનપુરમાં મહેસાણા હાઇવે ઉપર ચામુંડા માતાજીના મંદિરથી થોડેક દૂર ખારી નદીના પુલ નીચે બુધવારે રાત્રે આઠેક વાગ્યાના સુમારે ટ્રેક્ટર સાથે બાઈકની ટક્કર થતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ્યારે બીજા યુવાનનું ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.
રાધનપુર હાઇવે પર અવારનવાર સર્જાતા અકસ્માતના બનાવો અટકાવવા પોલીસની સ્પીડ વાન દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવે તે જરૂરી છે. તાજેતરમાં જ સમી રાધનપુર હાઇવે રોડ ઉપર શિફ્ટ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. એ અકસ્માતની ઘટના હજી લોકોના માનસ પરથી ભુલાઈ નથી. ત્યાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે. જેમાં બે વ્યક્તિઓના મોત થયા છે.
બનાવની મળતી માહિતી મુજબ રાધનપુરની સર્વોદય હોસ્પિટલમાં મજૂર તરીકે કામ કરતા દાહોદ જિલ્લાના બે યુવકો રાજકોટની સદભાવના ટ્રસ્ટ દ્વારા શંખેશ્વરમાં ચાલતી વૃક્ષારોપણની કામગીરી કરવા ગયા હતા.વૃક્ષારોપણનું કામ પૂર્ણ કરી ત્યાંથી બાઈક લઈને રાધનપુર જવા નીકળ્યા હતા. દરમિયાન તેઓનું બાઈક રાધનપુર હાઈવે રોડ ઉપર આવેલ રાપરિયા હનુમાન મંદિરથી આગળ ખારવાના પુલ પરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન સામેથી આવતા ટ્રેક્ટર સાથે અગમ્ય કારણોસર બાઈક ટકરાતા બંને યુવકો રોડ ઉપર ફંગોળાઈ નીચે પટકાતા તેઓને ગંભીર ઇજા થવી થવા પામી હતી.અકસ્માતને પગલે હાઇવે ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.
ગંભીર ઇજાઓ થવાને કારણે બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ઉપર સવાર અન્ય યુવકને સારવાર અર્થે 108 મારફતે રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર એક મૃતકનું પોસ્ટમોર્ટમ રાધનપુર રેફરલ હોસ્પિટલમાં જ્યારે બીજા યુવકનું પોસ્ટમોર્ટમ પાટણ ખાતે કરવામાં આવ્યું હતું. અકસ્માતને પગલે રાધનપુર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક વિરોધ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.