પાટણ: ‘તારા પૈસા આપવાનો નથી. તારાથી થાય તે કરી લેજે’ એમ કહી બિલ્ડરના પુત્રએ મહિલાની છેડતી કરી, કોર્ટે 3 વર્ષની કેદ ફટકારી
પાટણના બિલ્ડર પુત્રને છેડતી તથા નુકસાન કરી ઇજા પહોંચાડવાના એક કેસમાં પાટણની ચીફ જ્યુડીસીયલ કોર્ટે ત્રણ વર્ષની સાદી કેદની સજા અને જુદી જુદી કલમો અંતર્ગત કુલ રૂ.8500 નો દંડ ફટકાર્યો હતો. અપિલ પિરીયડ બાદ આ દંડની રકમ છેડતીનો ભોગ બનેલી મહિલાને વળતરરુપે ચુકવવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં સજાની સુનાવણી વખતે આરોપી હાજર રહ્યો નહોતો. પરંતુ આરોપીનાં વકીલે ત્રણ વર્ષની સજા સામે સેશન્સ કોર્ટમાં અપીલ કરવાની હોવાથી અપીલ પિરિયડ સુધી સજાનો અમલ મુલત્વી રાખવા અરજી આપતાં કોર્ટે આરોપીની સજાનો અમલ મુલત્વી રાખ્યો હતો.
આ કેસની મળતી માહિતી મુજબ પાટણ નાં બિલ્ડર પુત્ર અંકિત મુકેશભાઇ મેવાડા સામે 2016 માં શહેરનાં વાળીનાથ ચોક વિસ્તારની શ્રેયસ રેસિડેન્સીમાં રહેતી એક મહિલાએ છેડતીનો કેસ દાખલ કર્યો હતો. આ ફરિયાદમાં તેણે અંકિત મેવાડા સામે એવો આક્ષેપ કર્યો હતો કે, આ મહિલા તા. 2-10-16 ના રોજ રાત્રે એ વિસ્તારમાં રહેતા સંબંધીનાં ઘેર બેસવા ગયા હતા, ત્યારે અંકિત મેવાડા તેમનાં ઘેર આવેલા તે વખતે આ મહિલાએ અંકિતને કહેલ કે, અમારો બાકીનો હિસાબ ક્યારે આપવાનો છે ? જેથી અંકિતે આ મહિલાને કહ્યું કે, ‘તારા બાકીનાં પૈસા આપવાનાં નથી, તું પૈસાની આશા છોડી દેજે’, તેમ કહીને અંકિત ત્યાંથી જતો રહ્યો હતો અને આ મહિલા તેનાં ઘેર ગઈ હતી.
એ બાદ દશેક મિનીટ પછી અંકિત આ મહિલાનાં ઘેર આવીને તેમનાં ઘરનો દરવાજો ખખડાવતાં મહિલાએ દરવાજો ખોલતાં અંકિંત તેમનાં ઘરમાં જબરદસ્તીથી દરવાજાની અંદર પ્રવેશ કરવાની કોશીસ કરતાં મહિલાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. અંકિતે મહિલાનો જમણો હાથ દબાવતાં તેમની હાથની બંગડીઓ વળી ગઇ હતી. ત્યારે અંકિતે મહિલાને કહ્યું કે, તારા પૈસા આપવાનો નથી. તારાથી થાય તે કરી લેજે. તેમ કહીને ગાળો બોલી ઝપાઝપી કરતાં મહિલાનો ડ્રેસ આ ઝપાઝપીમાં ફાટી ગયો હતો.
આ દરમિયાન હોબાળો થતાં લોકો ભેગા થઇ જતાં અંકિતે જતાં જતાં કહ્યું કે, તું બચી ગઇ છે. પરંતુ હવે ક્યારેય પૈસાની ઉઘરાણી કરીશ તો હું તને તારા પતિને જાનથી મારી નાંખીશ અને તારા બાળકોનું અપહરણ કરીશ. તેવી ધમકી આપી હતી. બંગડીનાં દબાણથી મહિલાનાં હાથ ઉપર નિશાન પડી ગયા હતા.
આ બનાવ અંગે મહિલાએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. 354, 447, 323,504, 506(2) મુજબ ગુનો નોંધ્યો હતો. જે કેસ પાટણની ચીફ જ્યુડીસીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં મેજિસ્ટ્રેટ એ.એસ. ગોહેલે બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી. આ કેસમાં સરકારી વકીલ સી.એલ. દરજીની ધારદાર દલીલો સાંભળીને આરોપીને આઇપીસી 354 અંતર્ગત ત્રણ વર્ષની સાદી કેદ અને રૂ. 5000નો દંડ, આઇપીસી, 506(2)માં બે વર્ષની સાદી કેદ અને રૂ.1000નો દંડ, આઇપીસી 323,504માં છ-છ માસ અને રૂ. 1000-1000નો દંડ અને આઇપીસી 447માં છ માસની સાદી કેદ અને રૂ.500નો દંડ મળી કુલે રૂ 8500 ના દંડ ફટકાર્યો હતો. દંડની રકમમાંથી ફરીયાદી – ભોગ બનનાર મહિલાને વળતર ચુકવવા આદેશ કર્યો હતો.